ભૂજ, 17 જુલાઈ 2026 : Stampede among people as two bulls clash શહેરમાં રખડતા ઢોરના ત્રાસ સામે મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય છે. જેમાં ગઈકાલે સવારે શહેરના ટ્રફિકથી વ્યસ્ત એવા કંસારા બજારથી કાલિકા રિંગ રોડ વચ્ચે બે આખલાઓના દ્વંદ યુદ્ધથી આજુબાજુના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાને કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી.
શહેરના કંસારા બજારથી કાલિકા રિંગ રોડ પર આખલા યુદ્ધને કારણે વાહનચાલકોને પોતાના વાહનો રોકવાની ફરજ પડી હતી, જ્યારે રાહદારીઓ પણ ભયભીત થઈ સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. સ્થળ પર હાજર કેટલાક નાગરિકોએ ઝગડતા આખલાઓને જુદા પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આક્રમક બનેલા આખલાંને કાબૂમાં લેવા મુશ્કેલ બન્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે શહેરના મુખ્ય માર્ગો, બજારો અને રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર સતત જોવા મળે છે, જેના કારણે અકસ્માતોનું જોખમ પણ વધી રહ્યું છે.
ભુજ શહેરમાં અગાઉ પણ રખડતા ઢોરના કારણે અનેક દુર્ઘટનાઓ બની છે, જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ સ્થિતિ ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને દ્વિચક્રી વાહનચાલકો માટે વધુ જોખમી છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્રને અપીલ કરી છે કે માત્ર પ્રસંગોપાત કાર્યવાહી કરવાને બદલે નિયમિત અને અસરકારક અભિયાન ચલાવવામાં આવે. શહેરમાં રખડતા ઢોરને પકડી યોગ્ય સ્થળે ખસેડવા, પશુપાલકો સામે જરૂરી કાર્યવાહી કરવા અને જાહેર માર્ગોને ઢોર મુક્ત બનાવવા માટે સત્વરે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.

