1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પત્નીએ દીકરીનો સાથ લઈને ભાણિયા દ્વારા પતિની હત્યા કરાવી, ત્રણેયની ધરપકડ
પત્નીએ દીકરીનો સાથ લઈને ભાણિયા દ્વારા પતિની હત્યા કરાવી, ત્રણેયની ધરપકડ

પત્નીએ દીકરીનો સાથ લઈને ભાણિયા દ્વારા પતિની હત્યા કરાવી, ત્રણેયની ધરપકડ

0
Social Share

મહેસાણા, 17 જુલાઈ 2026 : Wife conspired with daughter to have husband murdered by nephew જિલ્લાના વિજાપુરમાં તાજેતરમાં બનેલો અકસ્માતનો બનાવ હત્યામાં પલટાયો છે. શહેરમાં આનંદપુરા ચોકડી નજીક રોડ એક એક્ટિવાને બ્રેઝા કારે જોરદાર ટક્કર મારતા વેપારીનું મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતનો આ બનાવ જોતા શંકા જાગી હતી. અને તપાસ કરતા પત્નીએ જ દીકરીનો સાથ લઈને ભાણિયા દ્વારા પોતાની પતિની હત્યા કરાવી હતી. પોલીસે પત્ની, દીકરી અને તેના ભાણિયાની ધરપકડ કરી હતી.

વિજાપુર શહેરના રામ મંદિર પાસે મેડિકલ સ્ટોર ચલાવતા વિનોદભાઇ પટેલના શંકાશીલ સ્વભાવ અને ત્રાસથી કંટાળીને તેમના જ પત્ની અને દીકરીએ પોતાના ભાણિયાને પૈસાની લાલચ આપી કારથી ટક્કર મરાવી આ હત્યા કરાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ ઘટનામાં વિજાપુર પોલીસ દ્વારા મૃતકની પત્ની, દીકરી અને ભાણિયા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે,  મૃતક વિનોદ મણીલાલ પટેલ વિજાપુરમાં રામમંદિર પાસે મેડિકલ સ્ટોર ચલાવતા હતા. તેમના પત્ની રીટાબેન (ઉં.વ.49 રહે.આનંદપુરા) અને ગાંધીનગર રહેતી તેમની દીકરી શ્રદ્ધાબેન (ઉં.વ.27) અવારનવાર વિનોદભાઇના શંકાશીલ સ્વભાવ અને મારઝૂડથી કંટાળી ગયા હતા. આ કંટાળા અને ત્રાસમાંથી કાયમી છુટકારો મેળવવા માટે માતા-પુત્રીએ એક ભયાનક પ્લાન ઘડ્યો હતો જેમાં તેઓએ આ જઘન્ય અપરાધને અંજામ આપવા માટે રીટાબેનની બહેનના દીકરા એટલે કે મૃતકના ભાણિયા વિમલકુમાર રોહિતભાઈ પટેલ (ઉ.વ. 24, રહે. અસ્નાપુરા-ગેરીતા)નો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં વિમલે આ કામ કરવાની ના પાડી હતી, પરંતુ તેની માસી રીટાબેન અને બહેન શ્રદ્ધાએ સતત વોટ્સએપ કોલ કરીને પૈસાની લાલચ આપીને તેને આ હત્યા કરવા માટે મનાવી લીધો હતો.

આ બનાવમાં પોલીસે અલગ અલગ જગ્યાઓના CCTV ફૂટેજ ચેક કર્યા અને ટેક્નિકલ તથા હ્યુમન સોર્સની મદદથી માહિતી મેળવી કે અકસ્માત સર્જનાર વાહન નંબર પ્લેટ વગરની સફેદ કલરની બ્રેઝા ગાડી હતી.  તપાસ દરમિયાન પોલીસને એક મહત્વની કડી ત્યારે મળી જ્યારે એક સાહેદે પોલીસ મથકે આવીને જણાવ્યું કે 8 જુલાઈના રોજ વિમલ પટેલ તેને CCTV કેમેરાના ફિટિંગના બહાને પોતાની સફેદ બ્રેઝા ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો. સાઇટ પર જવાના બદલે વિમલે ગાડી આનંદપુરા તરફ લીધી હતી અને આનંદપુરા ચોકડીથી આગળ જઈને રસ્તા પર જતા એક એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. મિત્રએ ગાડી ઊભી રાખવાનું કહેવા છતાં વિમલ ગાડી ભગાવી ગયો હતો.

આ બાતમીના આધારે પોલીસે વિમલને ઝડપી પાડી કડક પૂછપરછ કરતા સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. વિમલે કબૂલાત કરી કે ઘટનાના દિવસે તે બ્રેઝા ગાડી લઈને રામબાગ નજીક ઊભો હતો. શ્રદ્ધા સતત વોટ્સએપ પર લોકેશન આપતી હતી અને તેણે જ વિનોદભાઈને મેડિકલમાંથી બહાર બોલાવ્યા હતા. વિનોદભાઈ એક્ટિવા લઈને નીકળતા જ વિમલે તેમનો પીછો કર્યો હતો અને આનંદપુરા ચોકડી પાસે તક મળતા જ પાછળથી પૂરપાટ ઝડપે ગાડી ચલાવી એક્ટિવાને ટક્કર મારી હતી, જેમાં વિનોદભાઈનું કરુણ મોત નીપજ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code