અમદાવાદ,14 એપ્રિલ 2026: Two men arrested with mephedrone drugs શહેરમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસ સક્રિય બની છે. અને ચૂંટણીને લીધે ચેકિંગ સઘન બનાવવામાં આવ્યુ છે. ત્યારે શહેરની ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે ઘીકાંટા વિસ્તારમાંથી રૂપિયા 12 લાખથી વધુની કિમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખસોને દબોચી લીધા છે. બન્ને આરોપીની પૂછતાછ કરવામાં આવી રહી છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લવાયો છે. અને કોને ડિલિવરી કરવાની હતી. તેની માહિતી મેળવવામાં આવી રહી છે.
શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ગઈકાલે શહેરના ઘીકાંટામાં નવતાડ પોળની સામે, લક્ષ્મી માર્કેટ નીચે આવેલા રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બે શખસો પસાર થતા અને તેની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે બન્ને શખસોને રોકીને પૂછતાછ કરતા તે ગભરાઈ ગયા હતા. પોલીસે બન્ને શખસોની તલાશી લેતા રૂપિયા 12 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 412 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો, 3 મોબાઈલ ફોન, 3500 રૂપિયા રોકડા અને અન્ય બેગ મળીને કુલ 12,59,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો છે. આ ડ્રગ્સ આરોપી કોની પાસેથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા તે સપ્લાયરને પકડવાની દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીનું નામ 26 વર્ષીય માલારામ મગારામ દેવાસી જે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના પમાણા ગામનો વતની છે. જ્યારે 35 વર્ષીય અશોકકુમાર દરજી જે મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ટેંટોડા ગામનો રહેવાસી છે. હાલમાં આ બંને આરોપીઓ અમદાવાદના સરસપુર વિસ્તારમાં, જશામાતા મંદિર પાસે લુહાર શેરીમાં, હરિસિંગ લોધીના મકાનમાં બીજા માળે રહેતા હતા.


