1. Home
  2. ગુજરાતી
  3. બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 2 માઓવાદી ઠાર
બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 2 માઓવાદી ઠાર

બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 2 માઓવાદી ઠાર

0
Social Share

રાયપુર, 26 ફેબ્રુઆરી 2026: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ આદરેલા ઓપરેશનમાં ગુરુવારે મોટી સફળતા મળી છે. ઈન્દ્રાવતી નદી વિસ્તારમાં થયેલી ભીષણ અથડામણમાં સુરક્ષા દળોએ બે માઓવાદીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને અત્યાધુનિક હથિયારો મળી આવ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બીજાપુરના ઈન્દ્રાવતી નદીના દુર્ગમ વિસ્તારોમાં માઓવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના આધારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે એન્ટી નક્સલ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ગુરુવારે વહેલી સવારે જ્યારે ટીમ નદી કિનારાના વિસ્તારમાં પહોંચી ત્યારે માઓવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેના જવાબમાં સુરક્ષા દળોએ વળતો પ્રહાર કર્યો હતો.

બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, અથડામણ બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા ગણવેશધારી બે માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. સર્ચ દરમિયાન ઘટનાસ્થળેથી SLR રાઈફલ, ઈનસાસ રાઈફલ અને 12 બોર રાઈફલ મળી હતી. આ ઉપરાંત મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને નક્સલી સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે. બસ્તર રેન્જના IG સુંદરરાજ પી.એ જણાવ્યું કે સમગ્ર વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે અને ટૂંક સમયમાં વિગતવાર અહેવાલ જારી કરવામાં આવશે.

બીજી તરફ, છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલ વિરોધી અભિયાન હેઠળ ન્યાયિક ક્ષેત્રે પણ મોટી સફળતા મળી છે. અદાલતે બે માઓવાદીઓને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ દોષિત ઠેરવી 5-5 વર્ષની સખત કેદની સજા અને રૂ. પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. દોષિતોના નામ હ્યુંગા ઉર્ફે ગુટ્ટમ સોડી અને જોગા કુદામી છે, જેઓ સુકમા જિલ્લાના રહેવાસી છે. તેમની 20 મે 2024ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ટિફિન બોમ્બ અને ડિટોનેટર સહિતના ઘાતક વિસ્ફોટકો મળી આવ્યા હતા.

કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓની તપાસ બાદ નોંધ્યું હતું કે, બંને આરોપીઓ જનતાની સુરક્ષા માટે મોટું જોખમ હતા. જો આરોપીઓ દંડની રકમ નહીં ભરે તો તેમને વધારાની 6 મહિનાની સાદી જેલની સજા ભોગવવી પડશે. છત્તીસગઢમાં સુરક્ષા દળોની આક્રમકતા અને ન્યાયિક કડકાઈને કારણે નક્સલવાદી ગતિવિધિઓ પર મોટો ફટકો પડ્યો છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીએ ઈઝરાયેલની સંસદ કનેસેટમાં 1971ના યુદ્ધના હીરો જનરલ જેકબને કર્યા યાદ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code