1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાનથી પાંચ વ્યક્તિઓને મળ્યું નવુ જીવન
સુરતમાં ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાનથી પાંચ વ્યક્તિઓને મળ્યું નવુ જીવન

સુરતમાં ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાનથી પાંચ વ્યક્તિઓને મળ્યું નવુ જીવન

0
Social Share

અમદાવાદઃ સુરતમાં માર્ગ અકસમાતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા હિરાના વ્યવસાયીને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કરતા તેમના પરિવારજનોએ અંગદાનની જાહેરાત કરી હતી. જેથી સુરતની જાણીતી સામાજીક સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા અંગદાનની કાર્યવાહી કરવામાં આવી હતી. પરિવારજનોએ લીવર, કીડની અને ચક્ષુદાન કરીને પાંચ વ્યક્તિઓને નવુ જીવન આપ્યું છે.

સુરતના પાસોદરા પાટીયા નજીક રહેતા કિરણકુમાર રમેશભાઈ વેકરીયા (ઉ.વ 46) (મૂળ રહે, મૂળ ગામ મોલડી, તા. સાવરકુંડલા, જી. અમરેલી) હિરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. 11મી એપ્રિલના રોજ તેઓ વરાછામાં સીમાડા નાકા પાસે ખોડલ રેસ્ટોરન્ટમાં ટીફીન લેવા ગયા હતા. ટીફીન લઇને પોતાના ઘરે (પાસોદરા પાટિયા) જતા હતા ત્યારે લસકાણા રેલ્વે બ્રીજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ મોટરસાયકલ પરથી નીચે પડી જતા માથામાં ઈજાઓ થવાથી બેભાન થઈ ગયા હતા. જેથી 108 એમ્બ્યુલન્સ મારફત તેમને કામરેજમાં આવેલ દીનબંધુ હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.

પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પરિવારજનોએ તેમને સુરતની વિનસ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. નિલય શાહની સારવાર હેઠળ દાખલ કર્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. તબીબોએ તા. 14મી એપ્રિલના રોજ કિરણકુમારને બ્રેઈનડેડ જાહેર કર્યાં હતા. જેથી કિરણકુમારના પરિવારજનોએ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કિરણકુમારના પિતા રમેશભાઈ, ભાઈ દિનેશભાઈ, કાકા નીતિનભાઈ અને જયેશભાઈ, મામા રસિકભાઈ અને હિતેશભાઈ તેમજ વેકરીયા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

કિરણકુમારના ભાઈ દિનેશભાઈએ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાન અંગેના સમાચારો વાંચતા હતા. અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે, શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે મારા ભાઈ ના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. કિરણકુમારના પરિવારમાં પિતા રમેશભાઈ (ઉં.વ.65), જેઓ નિવૃત જીવન જીવે છે, માતા લાભુબેન નવેમ્બર 2023માં મૃત્યુ પામેલ છે, ભાઈ દિનેશભાઈની વરાછામાં આઈસ્ક્રીમની દુકાન છે. બહેન ચંદ્રિકા (ઉ.વ 42) અને આશા (ઉ.વ 40) જેઓ પરણિત છે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો હતા. SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પિટલને, બે કિડનીમાંથી એક કિડની અમદાવાદની સીમ્સ હોસ્પિટલ અને બીજી કિડની સ્ટર્લીંગ હોસ્પીટલને ફાળવવામાં આવી હતી.

લિવર નું દાન સુરતની કિરણ હોસ્પિટલના ડૉ. ધર્મેશ ધાનાણી, ડૉ. ગૌરવ ચૌબલ અને તેમની ટીમે, કિડનીનું દાન ડૉ. પ્રમોદ પટેલ, ડૉ. મુકેશ આહીર, ડૉ. કાર્તિક પટેલ અને તેમની ટીમે સ્વીકાર્યું હતું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ. દિનેશ જોધાણીએ સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી 59 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડૉ. ગૌરવ ચૌબલ, ડૉ. ધર્મેશ ધાનાણી, ડૉ. આદિત્ય નાણાવટી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી બે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સીમ્સ હોસ્પિટલ અને સ્ટર્લીંગ હોસ્પીટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code