નવી દિલ્હી, 14 ઓક્ટોબર 2026: જર્મનીના ફ્રેન્ચફર્ટથી નવી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-2030 ને સુરક્ષા સંબંધિત એલર્ટ મળ્યા બાદ જયપુર એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. વિમાનને સુરક્ષિત રીતે જયપુર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું છે. શરૂઆતી માહિતીમાં વિમાનમાં બોમ્બની ધમકી અથવા હાઇજેકની અફવા હોવાની વાત સામે આવી હતી, જોકે એરપોર્ટના અધિકારીઓએ હાઇજેક કે બોમ્બની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
જયપુર એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા બાદ તરત જ વિમાનને એકાંત અને સુરક્ષિત જગ્યા એટલે કે ‘આઇસોલેશન બે’માં લઈ જવામાં આવ્યું હતું. અહીં કેન્દ્રીયૌદ્યોગિક સુરક્ષા દળ, સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા વિમાન અને મુસાફરોની સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. રાહતની વાત એ છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ વિમાન જ્યારે ભારતીય હવાઈ ક્ષેત્ર (એર સ્પેસ)ની નજીક પહોંચી રહ્યું હતું, ત્યારે જ સુરક્ષા એજન્સીઓને કોઈ શંકાસ્પદ એલર્ટ મળ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં એર ટ્રાફિક કંટ્રોલ અને સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક નિર્ણય લઈને વિમાનને દિલ્હીને બદલે જયપુર તરફ વાળવાનો આદેશ આપ્યો હતો. સુરક્ષા એજન્સીઓ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ એલર્ટ ક્યાંથી અને કેવી રીતે મળ્યું હતું. એર ઇન્ડિયા કે એરપોર્ટ પ્રશાસન તરફથી આ અંગે હજુ સુધી કોઈ વિસ્તૃત સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગત 31 ઓગસ્ટ 2026ના રોજ પણ એર ઇન્ડિયા ગ્રૂપની ફ્લાઇટ સાથે આવી જ એક ઘટના બની હતી. સાઉદી અરેબિયાના દમ્મામથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આઈએક્સ-170 ના શૌચાલયમાંથી ‘બોમ્બ’ લખેલું ટિશ્યુ પેપર મળી આવ્યું હતું, જેના પછી વિમાનને અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. જોકે, બાદમાં તપાસ દરમિયાન કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.


