
રાજકોટ: ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાજકોટ શહેરમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ કરવાના વધુ કેસ પકડાઈ રહ્યા છે. ઘી, દૂધ, તેલ, ફરસાણ અને બેકરીની વસ્તુઓ, કેરીનો રસ, પનીર, અને મીઠાઈમાં પણ ભેળસેળ થયાના કેસ ભૂતકાળમાં નોંધાયા ચૂક્યા છે. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ઘણાબધા લોકો શ્રાવણ મહિનામાં ઉપવાસ અને એકટાણાં કરતા હોય છે. ત્યારે હવે ફરાળી વાનગીઓમાં પણ ભેળસેળ કરાતી હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ચેકિંગ ઝૂંબેશ આદરીને ફરાળી પેટિસના નમુના લેબમાં મોકલતા લોટની ભેળસેળ હોવાનું પુરવાર થતાં 200 કિલો પેટિસના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરમાં તહેવારો ટાણે જ કેટલાક વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવી રહી હોવાની ફરિયાદો ઊઠી છે, આથી મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી પેટીસના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. અગાઉ ઘણી વખત ફરસાણના ધંધાર્થીઓ પેટીસમાં ફરાળી લોટને બદલે મકાઇનો લોટ પધરાવી ઉપવાસીઓને અભડાવવાનો ગોરખધંધો કરતા હોવાનું બહાર આવી ચૂક્યું છે, ત્યારે શહેરમાં ફરાળી પેટિસમાં ભેળસેળ થતી હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે. મ્યુનિ.ના આરોગ્ય વિભાગની તપાસમાં નમૂના ફેઈલ થતાં આરોગ્ય વિભાગે બસો કિલો પેટીસનો નાશ કર્યો હતો. શ્રાવણ મહિનામાં કેટલાક વેપારીઓ પણ વધુ નફો રળી લેવાના પ્રયાસમાં ફરાળી વસ્તુઓમાં ભેળસેળ કરી રહ્યાં છે. પેટીસમાં ફરાળી લોટને બદલે મકાઇનો લોટ અને અન્ય વસ્તુઓની ભેળસેળ કરતા હોવાનું બહાર આવ્યું છે. મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ફરાળી પેટીસના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં તેઓ ફેલ રહ્યા છે. જેના કારણે આરોગ્ય વિભાગે અલગ અલગ 5 ડેરીમાંથી 178 કિલો પેટીસનો નાશ કરવામાં આવ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ફરાળીની પેટીસમાં થઇ રહેલી ભેળસેળની આ કોઇ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ રાજકોટમાંથી આરોગ્ય વિભાગે પેટીસના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડીને ભેળસેળનું ષડયંત્ર ઝડપી પાડ્યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં હજારો ભકતો ઉપવાસ અને એકટાણા કરતા હોય છે. તેવામાં નફો રળવા ધાર્મિક લાગણી સાથે ચેડા અને આરોગ્ય સાથે ખિલવાડ કરવાનો ધંધો પણ વધી જાય છે. શ્રાવણ માસમાં અને ફરાળી વસ્તુમાં પણ જો આવું બનતું હોય તો અન્ય ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા ધંધાર્થીઓ કયાંથી ડર અનુભવતા હશે તે સવાલ ઉપજે છે.