1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે હિટવેવથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરી
કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે હિટવેવથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરી

કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે હિટવેવથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરી

0
Social Share

અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે જ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં 20મી એપ્રિલ સુધી હિટવેવની આગાહી કરી હતી. બીજી તરફ રાજ્યમાં અમદાવાદ સહિત મોટાભાગના શહેરો-નગરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચ્યો છે. જેના પગલે હવામાન વિભાગે હિટવેવથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં આકરી ગરમીથી બચવા શું કરવુ અને અને શું ન કરવું જોઈએ તે જણાવવામાં આવ્યું છે.

  • લૂથી બચવા આટલું કરો

પૂરતા પ્રમાણમાં પાણી પીવું, વાઈ, હૃદય, કીડની કે યકૃત સંબંધી બીમારીથી પીડાતા વ્યક્તિઓએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ, જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે ડોક્ટરની સલાહ લેવી, ORS દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા પીવા, છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણીનો ઉપયોગ કરવો, વજનમાં હળવા તેમજ હળવા રંગના સુતરાઉ વસ્ત્રો પહેરવા, બહાર નિકળો ત્યારે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો, આંખોના રક્ષણ માટે સન-ગ્લાસીસ પહેરો, ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો, બાળક, સગર્ભા, વૃદ્ધો, બિમાર વયક્તિઓએ વિશેષ કાળજી લેવી

  • નોકરીયાતોએ આટલું ધ્યાન રાખવું

કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી, તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા કરવી, શુધ્ધ પાણી, છાશ, ORS, પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરવી, કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળવી, વધુ મહેનત લાગે તેવું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવું, બહારની પ્રવૃત્તિઓ માટે વિશ્રાંતી સમય અને તેની સંખ્યા વધારવી, વધુ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલ નથી તેમણે કાળજી રાખવી, શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપવું, કામદારોને હીટવેવ વિશે માહિતગાર કરવા, કાચી કેરી સાથે ડુંગળીમાં ધાણાજીરુ નાખેલું કચુંબર ખાવું, પંખાનો ઉપયોગ કરવો અને ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા, જાહેર વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરો, સૂકા પાંદડા, ખેતીનો કે અન્ય કચરો બાળવો નહીં, પાણીનાં સ્ત્રોતનું રક્ષણ કરવું અને વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા કરવી, શુદ્ધ બળતણ, ઊર્જાના વૈકલ્પીક સ્ત્રોતનો ઉપયોગ કરવો, ચક્કર આવતા હોય કે બીમાર હોવ તો તરત જ તબીબી સલાહ લો.

  • ઘરને ઠંડુ રાખવા માટે આટલું કરો

ઘરની દીવાલોને સફેદ રંગથી રંગવી, ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે કૂલ રુફ ટેકનોલોજી, હવાની અવર-જવર માટે ક્રોસ વૅટીલેશન, થર્મો કૂલ ઇન્સુલેશનનો ઉપયોગ કરવો, સૂકા ઘાંસની ગંજી છત ઉપર રાખવી, છત ઉપર શાકભાજી પણ ઉગાડી શકાય, ઘરની બારીઓ ઉપર સૂર્યપ્રકાશને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનીયમ ફોઇલ કવર વાળા પૂંઠા લગાવવા, ઘેરા રંગના પડદા બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો, ફક્ત એક જ બારી ખોલો, બને ત્યાં સુધી નીચેના માળ ઉપર રહો, લીલા રંગના છાપરા મકાનને કુદરતી ઠંડુ રાખે છે, એયર કંડીશનરનું તાપમાન 24 ડિગ્રી કે તેનાથી વધુ રાખો, નવા ઘરના બાંધકામ વખતે છીદ્રાળુ દીવાલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો, જાડી દીવાલનું ચણતર કરવું, જે ઘરને અંદરથી ઠંડુ રાખશે,દીવાલને રંગવા માટે ચૂનો અથવા કાદવ જેવા કુદરતી સાધનોનો ઉપયોગ કરો

  • લૂ લાગે તો આ સારવાર કરો

ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા લૂ લાગી હોય તે વ્યક્તિના માથા પર પાણી રેડવું, શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ORS અથવા લીંબુ શરબત જેવું ઠંડુ પ્રવાહી આપવું, વ્યક્તિને તાત્કાલીક નજીકના સ્વાસ્થય કેન્દ્ર ઉપર લઇ જવા

  • આટલું ન કરો

બપોરના સમયે તડકામાં જવાનું ટાળવું, ના છૂટકે બપોરના સમયે બહાર જવાનું થાય તો શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરવી, ખુલ્લા પગે બહાર ન જવું, આવા સમયે રસોઇ ન કરો, બને તો રસોઈ વહેલા કરી લેવી, રસોડામાં હવાની અવર-જવર માટે બારી અને બારણા ખુલ્લા રાખવા,  શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે શરાબ, ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ લેવાનું ટાળો, પ્રોટીનની વધુ માત્રા વાળા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠા વાળા આહારને ત્યજો, આ ઉપરાંત પાર્ક કરેલા વાહનમાં પાળતુ પ્રાણી કે બાળકોને એકલા ન રાખો, વધારે પડતી રોશની વાળા વિજળીના બલ્બનો ઉપયોગ ટાળો, જરૂર ના હોય તો કોમ્પ્યુટર કે બીજા ઊપકરણને બંધ રાખો

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code