
મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIP સતત બીજા મહિને રૂ. 26,000 કરોડને વટાવી ગયું
જાન્યુઆરીમાં માસિક મ્યુચ્યુઅલ ફંડ SIP રૂ. 26,400 કરોડ રહી છે. આના પહેલા ડિસેમ્બરમાં તે 26,459 કરોડ રૂપિયા હતું. આ સતત બીજી ઘટના છે જ્યારે માસિક મ્યુચ્યુઅલ ફંડ્સ SIPનો આંકડો રૂ. 26,000 કરોડને વટાવી ગયો છે. આ દર્શાવે છે કે રોકાણકારો સતત શિસ્ત અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણ સાથે શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. જાન્યુઆરીમાં બધા ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 1.87 લાખ કરોડનું રોકાણ જોવા મળ્યું, જે ડિસેમ્બરમાં રૂ. 80,509 કરોડ હતું.
જાન્યુઆરીમાં તમામ ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) વધીને રૂ. 66.98 લાખ કરોડ થઈ ગઈ, જે ડિસેમ્બરના રૂ. 66.66 લાખ કરોડના AUM કરતા 0.49 ટકા વધુ છે. જાન્યુઆરીમાં મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યા પણ વધીને 22.91 કરોડ થઈ ગઈ છે જે ડિસેમ્બરમાં 22.50 કરોડ હતી. જોકે, જાન્યુઆરીમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 39,687 કરોડનો પ્રવાહ જોવા મળ્યો હતો. આ ડિસેમ્બરમાં થયેલા રૂ. 41,155.9 કરોડના રોકાણ કરતાં 3.6 ટકા ઓછું છે.
જાન્યુઆરી 2025 માં લાર્જકેપમાં 3,063.3 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે. ડિસેમ્બરમાં આ આંકડો 2,010.9 કરોડ રૂપિયા હતો. મિડકેપ કેટેગરીમાં ₹5,147.8 કરોડનો રોકાણપ્રવાહ નોંધાયો હતો, જે ડિસેમ્બરમાં ₹5,093.2 કરોડ હતો. ગયા મહિને, સ્મોલકેપ ફંડ્સમાં રૂ. 5,721 કરોડનો પ્રવાહ આવ્યો હતો. ડિસેમ્બરમાં આ 4,667.7 કરોડ રૂપિયા હતું.
જાન્યુઆરીમાં ડેટ ફંડ્સમાં રૂ. 1.28 લાખ કરોડનો રેકોર્ડ પ્રવાહ જોવા મળ્યો, જ્યારે ડિસેમ્બરમાં આ શ્રેણીમાં રૂ. 1.27 લાખ કરોડનો ઉપાડ થયો હતો. હાઇબ્રિડ ફંડ્સમાં રૂ. 8,767.5 કરોડનો પ્રવાહ જોવા મળ્યો, જે પાછલા મહિનામાં રૂ. 4,369.8 કરોડ હતો. આ શ્રેણીમાં સૌથી વધુ રોકાણ આર્બિટ્રેજ ફંડ્સમાંથી આવ્યું હતું જેમાં રૂ. 4,291.7 કરોડનું રોકાણ થયું હતું, જ્યારે ગયા મહિને મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સમાં સૌથી વધુ રોકાણ જોવા મળ્યું હતું.