1. Home
  2. ગુજરાતી
  3. અસદ અલી U14 ક્રિકેટ ટૂર્નામેન્ટ: ફાઇનલમાં ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટ (A)નો શાનદાર વિજય
અસદ અલી U14 ક્રિકેટ ટૂર્નામેન્ટ: ફાઇનલમાં ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટ (A)નો શાનદાર વિજય

અસદ અલી U14 ક્રિકેટ ટૂર્નામેન્ટ: ફાઇનલમાં ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટ (A)નો શાનદાર વિજય

0
Social Share

અમદાવાદ: સ્થાનિક અસદ અલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ‘અસદ અલી U14 ક્રિકેટ ચેમ્પિયનશિપ સીઝન 2’ ની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચમાં ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટ (A) એ શાનદાર પ્રદર્શન કરતા વેરાઈ સ્પોર્ટ્સ એકેડમીને 7 વિકેટે પરાજય આપી ચેમ્પિયનશિપ ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. અર્નવ દેસાઈની ધારદાર બોલિંગ અને વિકાશ ચૌહાણની જવાબદારીપૂર્વકની બેટિંગના જોરે ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટે આ એકતરફી બનેલી ફાઇનલમાં આસાનીથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

આ મહત્વની ફાઈનલ મેચમાં વેરાઈ સ્પોર્ટ્સ એકેડમીના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટના બોલરોએ આ નિર્ણયને ખોટો સાબિત કરવામાં કોઈ કસર છોડી નહોતી. વેરાઈ એકેડમી તરફથી જશ રાણા (22 રન) અને ઋષભે (24 રન) થોડી લડત આપી હતી, પરંતુ ટીમનો કોઈ પણ બેટ્સમેન મોટી ભાગીદારી નોંધાવી શક્યો નહીં.

ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ઘાતક બોલિંગ કરતા અર્નવ દેસાઈએ માત્ર 19 રન આપીને 5 વિકેટ ઝડપીને વેરાઈ એકેડમીની કમર તોડી નાખી હતી. જ્યારે હેત નરેશ પટેલે પણ અત્યંત કંજૂસાઈપૂર્વક બોલિંગ કરતા 10 ઓવરમાં 4 મેડન સાથે માત્ર 8 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તીર્થ પટેલે પણ 1 વિકેટ મેળવી હતી. આ ધારદાર બોલિંગના કારણે વેરાઈ સ્પોર્ટ્સ એકેડમીની પૂરી ટીમ 33.3 ઓવરમાં માત્ર 82 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

વિકાશ અને યુવાંશની બેટિંગથી ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટનો આસાન વિજય

83 રનના નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટ (A) ની શરૂઆત પણ થોડી નબળી રહી હતી. ટીમે 25 રનના સ્કોર પર જ પોતાની 2 વિકેટો ગુમાવી દીધી હતી. ઓપનર શ્લોક પટેલ 11 રન અને ધ્વૈત શાહ 7 રન બનાવી આઉટ થયા હતા.

ત્યારબાદ વિકાશ બી. ચૌહાણે મોરચો સંભાળ્યો હતો અને 59 બોલમાં 6 ચોગ્ગાની મદદથી શાનદાર 35 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેને યુવાંશ જૈનનો સારો સાથ મળ્યો, જેણે અણનમ 20 રનનું યોગદાન આપ્યું હતું. વેરાઈ એકેડમી તરફથી કવિશ નાસિત અને હયાન કંજારીયાને 1-1 વિકેટ મળી હતી પરંતુ તેઓ મેચ બચાવી શક્યા નહોતા. ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટે 23.1 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવીને 83 રન કરી લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું અને 7 વિકેટે શાનદાર જીત મેળવી લીધી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code