ગાંધીનગરઃ જિલ્લાના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાએ તેમના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરાવી સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવી તેમજ નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી પોતે નિવૃત્ત થયા બાદ દસ્તાવેજો/ હુકમોમાં સહી કરી પોતે હોદ્દા ઉપર ન હોવા છતાં ખોટા દસ્તાવેજ બનાવી જૂની તારીખમાં તેનો અમલ બતાવી ખરા તરીકે ઉપયોગ કરી મોટાં આર્થિક કૌભાંડો આચરી અપ્રમાણસર મિલકત વસાવીને ભષ્ટાચાર કર્યાની ફરિયાદ સેક્ટર – 7 પોલીસ મથકમાં નોંધાતા આઈએએસ લોબીમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લાના પૂર્વ કલેકટર એસ કે લાંગા સામે તેમના ભૂતકાળના કાર્યકાળ દરમિયાન કથિત ભ્રષ્ટાચાર મામલે ગાંધીનગર સેકટર -7માં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારને આર્થિક નુકસાન પહોંચાડયાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર પોતે ફરિયાદી બની છે. એટલું જ નહીં સરકાર તરફથી ખુદ સરકારના જ પૂર્વ કલેક્ટર સામે ફરિયાદ કરી ગૂનો દાખલ કરાવવામાં આવ્યો છે. સમગ્ર મામલામાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગા, તત્કાલીન ચિટનિશ અને RAC વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સરકારી ફરજ સમયે અધિકારીઓએ પોતાના પદનો દૂર ઉપયોગ કરીને ભરાષ્ટ્રચાર આચાર્યો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નિવૃત IAS અધિકારી એસ. કે. લાંગા માતરના વિરોજા ગામે બોગસ ખેડૂત બન્યાં હોવાનો પર્દાફાશ થતાં એક વર્ષ અગાઉ ગણોતધારા હેઠળ કેસ દાખલ કરાયો હતો. અગાઉ જ્યારે તેઓ ગાંધીનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન પેથાપુરમાં કેટલીક સરકારી જમીન ગેરકાયદે રીતે ખાનગી વ્યક્તિઓને અપાવી બિન ખેડૂતોને ખેડૂત બનાવી ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કરવાનું કૌભાંડ પણ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.