
દિલ્હીઃ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન(HCA)ની એપેક્સ કાઉન્સિલે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું સભ્યપદ રદ કર્યું હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં તેમને શિસ્તબદ્ધ સહિતના આરોપમાં એચસીએ પ્રમુખ પદ પરથી દુર કરાયાં હોવાનું જાણવા મળે છે. હૈદરાબાદ ક્રિકેટ એસો.ના કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી અઝરુદ્દીનની મુશ્કેલીમાં વધારો થયો છે.
એપેક્સ કાઉન્સિલના જણાવ્યા અનુસાર “અઝહરુદ્દીન વિરુદ્ધ સભ્યોની ફરિયાદને ધ્યાનમાં લીધા પછી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં શોઝ કોઝ નોટિસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે અઝહરે નિયમોની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.” એવું પણ કહ્યું છે કે અન્ય કેસનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અઝહર પર પ્રતિબંધ ચાલુ રહેશે.
- અઝહર સામે નીકાળાઈ હતી કારણદર્શક નોટિસ
એપેક્સ કાઉન્સિલે અગાઉ અઝહર વિરુદ્ધ કારણદર્શક નોટિસ કાઢી હતી. અન્ય રાજ્ય ક્રિકેટ એસોસિએશનોની સામે એચસીએની ગૌરવને હાની પહોંચાડવાનો અને એસોસિએશનના નિયમો વિરુદ્ધ નિર્ણયો લેવાનો આરોપ મૂક્યો હતો. એપેક્સ કાઉન્સિલે અઝહરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ તેમની સામે કેસ ચાલી રહ્યાં હોવાથી એચસીએમાં તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.
- HCAની કામગીરીમાં અડચમ ઉભો કરવાનો આરોપ
અઝહર સામેની મુખ્ય ફરિયાદ એવી છે કે તેમણે એચસીએની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કેનેરા બેંકની દિલસુખનગર શાખામાં એચસીએના બેંક ખાતામાંથી જાણી જોઈને તમામ એચસીએ વ્યવહારો અટકાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કરાયો હતો. એપેક્સ કાઉન્સિલની નાણાકીય જવાબદારીઓના વિસર્જનમાં પણ અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.