પૂર્વ પીએમ નરસિમ્હા રાવ, એમએસ સ્વામીનાથન અને ચૌધરી ચરણસિંહજીનું ભારતરત્નથી સમ્માન કરાશે
નવી દિલ્હીઃ દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ હવે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ એમએસ સ્વામીનાથનને ભારત રત્નથી સમ્માનિત કરવાનો નિર્ણય સરકારે લીધો છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમજ આ અંગે દેશની જનતાને સોશિયલ મીડિયા મારફતે જાણ કરી હતી. અગાઈ બિહારના પૂર્વ સીએમ કર્પુરી ઠાકુર અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવામીને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માનની જાહેરાત કરાઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું લકે, પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવશે. અમારી સરકારનું આ સૌભાગ્ય છે કે, પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહજીને ભારતરત્નથી સમ્માનિત કરશે. આ સમ્માન દેશ માટે અતુલનીય યોગદાનને સમર્પિત છે. તેમણે ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી, દેશના ગૃહમંત્રી અને ધારાસભ્ય તરીકેના કાર્યકાળમાં હંમેશા રાષ્ટ્રના નિર્માણમાં ગતિ પ્રદાન કરી છે. તેઓ આપાતકાલના વિરોધમાં ઉભા રહ્યાં હતા. આપણા ખેડૂત ભાઈ-બહેનો માટે તેમનું સમર્પણ ભાવ અને ઈમરજન્સી દરમિયાન લોકતંત્ર માટે તેમની પ્રતિબદ્ધતા સમગ્ર દેશને પ્રેરિત કરનારી છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, નરસિમ્હા રાવજીએ મહત્વપૂર્ણ પરિવર્તનોના માધ્યમથી ભારતને આગળ વધાર્યું છે અને સાંસ્કૃતિક તથા બૌદ્ધિક વિરાસતને પણ સમૃદ્ધ કર્યું છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ખુબ જ ખુશીની વાચ છે કે, ભારત સરકાર કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં આપણા દેશમાં ઉલ્લેખનીય યોગદાન માટે ડો.એમએસ સ્વામીનાથનજીને ભારત રત્નથી સમ્માનિત કરાશે. તેમણે પડકારજનક સમયમાં ભારતને કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે ઉત્કુષ્ટ પ્રયાસ કર્યાં છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

