
ભાંભર-રાધનપુર હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ચારના મોત, બે ગંભીર
પાલનપુરઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ રોજબરોજ વધતું જાય છે. ત્યારે બનાસકાંઠામાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાભર-રાધનપુર હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો ગંભીરરીતે ઘવાતા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, બનાસકાંઠા જિલ્લાના ભાભરના રોયટા અને ગોસણ ગામ વચ્ચે હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં પ્રવાસ કરી રહેલા ચાર લોકોના મોત મિપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિકજામ થતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. અકસ્માતમાં ભોગ બનેલા પરિવારજનોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાભર-રાધનપુર હાઈવે પર ગૌસણ ગામ પાસે ટ્રેલરે કારને ટક્કર મારતા ઘટના સ્થળે જ 4 લોકોના મોત થયા હતા, જ્યારે બે ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતનો ભોગ બનેલો બનાસકાંઠાનો માળી પરિવાર હોવાનું જાણવા મળ્યુ છે. અકસ્માતમાં 3 પુરુષ અને એક બાળકનું મોત થયું છે. અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત હોસ્પિટલ ખાતે પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માતમાં બે ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.