
મહારાષ્ટ્રના થાણેની હોસ્પિટલમાં આગ લાગતા ચાર દર્દીઓ ભુંજાયા
- મહારાષ્ટ્રના થાણેની હોસ્પિટલમાં લાગી આગ
- હોસ્પિટલમાં દાખલ 4 દર્દીના નિપજ્યા મોત
- હોસ્પિટલમાં અવારનવાર બની રહી છે દુર્ઘટના
મહારાષ્ટ્ર : કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના વધી રહી છે. હવે થાણેની પ્રાઈમ ક્રિટીકેર હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ દર્દીઓને ઉતાવળમાં બીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ દરમિયાન ચાર દર્દીઓનાં મોત નિપજ્યા હતાં. મૃત્યુઆંક વધુ વધી શકે છે.
થાણે મહાનગર પાલિકાના એક અધિકારીએ જણાવ્યું કે, થાણેના મુમ્બ્રાની પ્રાઈમ ક્રિટિકેર હોસ્પિટલમાં સવારે 3:40 વાગ્યે આગ ભભૂકી ઉઠી હતી,બનાવની જાણ થતા ફાયર ફાઇટર અને એક બચાવ વાહન સ્થળ પર છે,પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ છે.અન્ય હોસ્પિટલમાં દર્દીઓની શિફ્ટિંગ દરમિયાન ચારના મોત નિપજ્યા છે.
આ પહેલા મુંબઈ નજીક વિરાર વિસ્તારમાં આવેલી વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગને કારણે 14 લોકોનાં મોત નિપજ્યા હતાં. આઇસીયુમાં હોસ્પિટલમાં 17 કોરોના દર્દીઓ હતા, જેમાંથી 14 લોકો મૃત્યુ પામ્યા હતા. આગના સમયે સમગ્ર હોસ્પિટલમાં કુલ 90 દર્દીઓ હતા અને આઈસીયુના ત્રણ દર્દીઓ અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.