
ગાંધીનગરમાં પ્રા. આરોગ્ય કેન્દ્રોની DHOએ કરી વિઝિટ, મોડા આવેલા 55 કર્મચારીઓને નોટિસ
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કર્મચારીઓ સમયસર ફરજ પર આવતા નહોવાની ફરિયાદો ઉઠતા જિલ્લા આરોગ્ય અધિકારી (DHO)એ 10 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સીએચસી કેન્દ્રોની ઓચિંતી મુલાકાત લઈને કર્મચારીઓની હાજરી ચેક કરતા 55 જેટલા તબીબો સહિત કર્મચારીઓ ફરજ પર સમયસર આવ્યા નહતા. એટલું જ નહીં તપાસ કરતા કાયમ મોડા આવતા હોવાનું જાણવા મળ્યું હતું. આથી તમામ કર્મચારીઓને નોટિસ ફટકારીને ખૂલાશો માંગવામાં આવ્યો છે. ત્યારબાદ અનિયમિત કર્મચારીઓ સામે પગલાં ભરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં કોરોના સંક્રમણ વચ્ચે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સીએચસી સેન્ટરો પર આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અધિક્ષક, સ્પેશિયાલિસ્ટ, મેડિકલ ઓફિસર સહિત 55 કર્મચારીઓ ફરજ ઉપર અનિયમિત આવતાં હોવાનું જોવા મળ્યું હતું. જેનાં પગલે આ તમામને નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સીએચસી સેન્ટરોમાં સ્ટાફ પોતાની ફરજ દરમ્યાન અનિયમિત હોવાની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી હતી. જેનાં પગલે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અશોક વૈષ્ણવ દ્વારા મેડિકલ અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવીને આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પેરા મેડિકલ સ્ટાફ, આયુષ તબીબો તેમજ ખુદ મેડિકલ ઓફિસર પણ ફરજ પર મોડા આવતા હોવાનું જોવા મળ્યું હતુ. ચાર સામૂહિક આરોગ્ય કેન્દ્રોની આકસ્મિક તપાસમાં અધિક્ષક, સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર , મેડિકલ ઓફિસર, પેરા મેડિકલ સ્ટાફ સહિતની 25 કર્મચારીઓ ફરજ ઉપર અનિયમિત આવતાં હોવાનું જોવા મળ્યું હતુ.
આ અંગે જિલ્લા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં તબીબથી લઈ પેરા મેડિકલ સ્ટાફ અનિયમિત રીતે પોતાની ફરજ બજાવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી જિલ્લા આરોગ્ય અધિકારીએ ટીમો બનાવીને આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 55 કર્મચારીઓ ફરજ ઉપર અનિયમિત આવતાં હોવાનું સામે આવતા તમામને નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવ્યો છે.