
અમદાવાદમાં ગણેશોત્સવ, ઠેર ઠેર શ્રીજીની સ્થાપના, CMએ ઘાટલોડિયામાં વિધ્નહર્તાની પૂજા કરી
અમદાવાદઃ શહેરભરમાં ગણેશોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. ગણેશ ચતુર્થીના દિને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર શ્રીજીની વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. મોડી સાંજે ચાલુ વરસાદમાં પણ ભગવાનની પૂજા અને સ્થાપના કરવામાં આવી હતી. શહેરમાં સોસાયટીઓ અને જાહેર માર્ગો પર પંડાલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. સવારથી જ લોકો ભગવાન ગણેશની સ્થાપના માટે મૂર્તિઓ લેવા પહોંચ્યા હતા. નાની મોટી શણગારેલી અને વિવિધ સ્વરૂપની મૂર્તિઓ ખરીદતા લોકો જોવા મળ્યા હતા. આગામી દસ દિવસ સુધી વિઘ્નહર્તાનો ઉત્સવ ધામધૂમથી ઊજવાશે. ગણેશ ચતુર્થીના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના મત ક્ષેત્ર ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ સાર્વજનિક ગણેશઉત્સવના જનઉમંગમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.
શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા ભવ્યાતિભવ્ય સવારી કાઢીને શ્રીજીના સ્થાપના સ્થળે લઇ ગયા હતા. વિવિધ જગ્યાએ વિવિધ થીમ ઉપર ભગવાન ગણેશના પંડાલ બનાવવામાં આવ્યા છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં અમદાવાદ કા રાજાના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. શહેરમાં સૌથી મોટા અને વધારે ગણેશ ઉત્સવની ઉજવણી શહેરના મણીનગરમાં દક્ષિણી વિસ્તારમાં થાય છે. શ્રીજીની સ્થાપના માટેના પંડાલોમાં રંગબેરંગી લાઈટ્સ અને ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યા છે. નાના-મોટા ગણેશ મંડળો દ્વારા તેમજ ઘરમાં શ્રીજીની સ્થાપના કરીને ગણેશોત્સવની ઉજવણી કરનાર પરિવારજનો દ્વારા શ્રીજીને ભવ્ય સ્વાગત કરીને લઇ આવ્યા હતા. અને શ્રીજીની વિધિવત સ્થાપના કરી હતી. શહેરના માર્ગો ઉપર સવારથી ગણપતિ બાપા મોરયા.. ના ગગનભેદી જયઘોષ શરૂ થઇ ગયા હતા. અબિલ-ગુલાલની છોળો સાથે પંડાલ સુધી લઇ ગયા બાદ શ્રીજીની વિધિવત સ્થાપના કરી હતી. દસ દિવસ માટે ભગવાનને પોતાના ઘરે અને મંડળમાં સ્થાપન કરવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. શહેરની શેરીઓ, સોસાયટીઓ ગણપતિમય બની ગઇ હતી.
ગણેશ ચતુર્થીના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં તેમના મત ક્ષેત્ર ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ સાર્વજનિક ગણેશઉત્સવના જનઉમંગમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા. ભૂપેન્દ્ર પટેલે પાટીદાર ચોક – ઘાટલોડીયા, ગુરુકુળના મહારાજા – ગુરુકુળ રોડ, સરદાર ચોક – વસ્ત્રાપુર ખાતેના ગણેશ સ્થાપનમાં જઈને ભગવાન શ્રી ગણેશના દર્શન કરી આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીન પટેલ તથા વિવિધ વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.