
ઓડિશાના એક સ્ટીલ પ્લાન્ટમાં ગેસ ગળતર, 4 કર્મચારીઓના મોત
દિલ્હીઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગેસ ગળતરની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં ઓડિસાના રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટમાં ગેર ગળતરની ઘટના સામે આવી છે. જેમાં ચાર કર્મચારીઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે.
પ્રાથમિક માહિતી અનુસાર રાઉલકેલા સ્ટીલ પ્લાન્ટના એક યુનિટમાં ઝેરી ગેસ ગળતર થયું હતું. જેમાં ચાર લોકોના મોત થયાં છે. જ્યારે છ લોકોને અસર થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ગેસ કેવી રીતે લીક થયો તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જો કે, આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. બીજી તરફ પ્લાન્ટની આસપાસના વિસ્તારના લોકોમાં પણ ભય ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજના ફુલપુર સ્થિત પ્લાન્ટમાં એમોનિયા ગેસ લીકેજ થયો હતો. જેમાં કેટલાક અધિકારીઓના મોત થયાં હતા. તેમજ કેટલાક કર્મચારીઓને અસર થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ ઉપરાંત ઓક્ટોબર મહિનામાં ગોવાની એક કંપનીમાં ગેર લીકેજની ઘટના સામે આવી હતી. જેથી એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 3 વ્યક્તિઓને અસર થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ ઉપરાંત ઓગસ્ટમાં આંધ્રપ્રદેશની એક કંપનીમાં અમોનિયા ગેસ લીકેજ થયો હતો. જેમાં 14 વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.