
અમદાવાદઃ સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ નામના યુવાને સરાજાહેર ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની હત્યા કરી હતી. રાજ્યભરમાં ચકચારી મચાવનારા ગ્રીષ્મા હત્યા કેસમાં અદાલતે ઝડપી કાર્યવાહી પૂર્ણ કરીને આજે આરોપી ફેનિલને મોતની સજાનો આદેશ કર્યો હતો. કોર્ટે રેરસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ફેનિલ નામના યુવાને તાજેતરમાં જ ગ્રીષ્માની સરાજાહેર હત્યા કરી હતી. ગીષ્માના ગળા ઉપર છરીનો ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી. આ બનાવને પગલે ફેનિલ ઉપર લોકોએ ફિટકાર વરસાવી હતી. તેમજ તેને આકરી સજા ફરમાવવા માંગણી કરી હતી. બીજી તરફ પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ આરંભી હતી. તેમજ ફેનિલને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સટ્રકશન કરવામાં આવ્યું હતું. તપાસના અંદે પોલીસે આરોપી સામે અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.
આ કેસની સુનાવણી સુરતની અદાલતમાં હાથ ધરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે આરોપી સામે દસ્તાવેજી પુરાવા રજૂ કરવાની સાથે સાક્ષીઓ તપાસ્યાં હતા. એટલું જ નહીં આરોપીને મોતની સજાની માંગણી કરી હતી. બીજી તરફ બચાવ પક્ષના વકીલે પણ ફેનિલને બચાવવા માટે કોર્ટમાં દલીલો કરી હતી. અદાલતે સુનાવણીના અંતે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે અદાલત દ્વારા ગીષ્મા હત્યા કેસનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. અદાલતે પુરાવા અને સાક્ષીઓના નિવેદનને ધ્યાનમાં રાખીને આરોપી ફેનિલને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. કોર્ટનો આદેશ સાંભળવા માટે મોટી સંખ્યામાં સામાન્યમાં લોકો કોર્ટ સંકુલમાં ઉમટી પડ્યાં હતા. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરાઈ હતી, જ્જે કહ્યું દંડ એવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે, ત્યાર બાદ ફાંસીની સજા સંભળાવી હતી.