
જ્ઞાનવાપી સર્વે: ASIએ રિપોર્ટ સબમિટ કરવા માટે વધુ 15 દિવસનો સમય માંગ્યો
વારાણસી: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ શુક્રવારે જ્ઞાનવાપી સંકુલના વૈજ્ઞાનિક સર્વેક્ષણનો અહેવાલ રજૂ કરવા માટે કોર્ટ પાસે 15 દિવસનો વધુ સમય માંગ્યો હતો. 2 નવેમ્બરના રોજ, વારાણસી કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ને જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના વૈજ્ઞાનિક સર્વેક્ષણનો અહેવાલ રજૂ કરવા માટે 17 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો.
કેન્દ્ર સરકારના સરકારી વકીલ અમિત શ્રીવાસ્તવે કહ્યું કે, વારાણસી જિલ્લા અદાલતે સર્વે રિપોર્ટ રજૂ કરવા માટે 17 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો, પરંતુ સર્વેમાં વપરાયેલ ટેક્નિકલ રિપોર્ટ હજુ આવ્યો ન હોવાથી ASIએ શુક્રવારે ડિસ્ટ્રિક્ટ જજ એ.કે.વિશ્વેશની કોર્ટમાં અરજી દાખલ કરીને કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવા માટે વધુ 15 દિવસની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે કોર્ટ આ મામલાની સુનાવણી પછીથી કરશે.
અગાઉ ASIએ 6 ઓક્ટોબર સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાનો હતો પરંતુ બાદમાં તેને 3 નવેમ્બર સુધીમાં સબમિટ કરવાની સૂચના આપવામાં આવી હતી. 5 ઓક્ટોબરે, કોર્ટે ASIને વધુ ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો અને કહ્યું હતું કે સર્વેક્ષણનો સમયગાળો તેનાથી આગળ વધારવામાં આવશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટના આદેશને પગલે એએસઆઈએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જ્ઞાનવાપી મસ્જિદમાં આધુનિક ટેકનોલોજીની મદદથી સર્વે કર્યો હતો. આ સર્વે દરમિયાન વિવિધ દિવાલો ઉપર હિન્દુ ધર્મના પ્રતિકો મળી આવ્યાના દાવા કરવામાં આવ્યા હતા. જો કે, રિપોર્ટ બાદ જ મસ્જિદમાંથી શું મળ્યું હતું તે સામે આવશે. જેથી હિન્દુ પક્ષ પણ એએસઆઈના રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.