નવસારી: જિલ્લામાં આ વર્ષે સારા વરસાદ અને સુકૂળ હવામાનને લીધે ચીકુંનો ફાલ સારોએવો આવતા ચીકુનું ગત વર્ષ કરતા વધુ ઉત્પાદની ખેડુતો આશા રાખી રહ્યા છે. નવસારી બાગાયતી જિલ્લો છે. જેમાં વર્ષમાં બે વાર ચીકુનો પાક લેવામાં છે. ચીકુંનો પાક તૈયાર થતાં માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે. લાભ પાંચમના પવિત્ર દિવસથી ચીકુની પ્રથમ સીઝનનો શુભારંભ થતા પ્રથમ દિવસે જ અમલસાડ માર્કેટ યાર્ડમાં 7થી 8 હજાર મણ ચીકુની આવક નોંધાઇ હતી, જેની સાથે જ ચીકુના ભાવ 700 થી 1200 રૂપિયા સુધી બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
નવસારી પંથકની જમીન ફળદ્રુપ ગણાય છે. અને ચીકુના ઉત્પાદનમાં જિલ્લો મોખરે રહે છે. છેલ્લા થોડા વર્ષોથી બદલાતા વાતાવરણમાં ચીકુના પાકમાં ખેડૂતોએ નુકશાની વેઠી હતી. પરંતુ આ વર્ષે ચોમાસા બાદ એકપણ માવઠું થયુ નથી અને તાપમાન પણ વ્યવસ્થિત રહેતા ચીકુવાડીઓમાં મબલખ અને ગુણવત્તાયુક્ત ફાલ આવતા ખેડૂતોના ચહેરાઓ હરખાયા છે. સારા પાકને કારણે ગણદેવી તાલુકાની સહકારી મંડળીઓ સહિત અમલસાડ માર્કેટ યાર્ડમાં પણ ચીકુની અવિરત આવક રહેતા વેપારીઓમાં પણ ખુશી રહી છે. ત્યારે નવા વર્ષના પ્રારંભે અમલસાડી ચીકુની આજે લાભ પાંચમના પાવન દિવસે 7 હજાર મણથી વધુ આવક થઈ હતી. જેમાં પણ ખેડૂતોને 700 થી 900 અને A1 ક્વોલિટીના ચીકુનો ભાવ 900 થી 1200 કે તેનાથી વધુ મળતા, ખેડૂતોમાં સીઝન સારી જવાની આશા બંધાઈ છે.
માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમલસાડ APMC માં દિવાળી પૂર્વેથી જ ચીકુની આવક શરૂ થતા વેપારીઓએ દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ચીકુ મોકલવાના શરૂ કર્યા હતા. જ્યારે લાભપાંચમના દિને 8 હજાર મણ ચીકુની આવક થતા જ હરખાયેલા વેપારીઓએ ચીકુનું એસોર્ટિંગ કરી, ગ્રેડ પ્રમાણે બોક્ષ ભર્યા હતા. સાથે જ ચીકુની આવરદા પણ સચવાય એ માટે પેકિંગમાં પણ પુરતુ ધ્યાન રાખ્યું હતું. જેથી રાજસ્થાન, દિલ્હી અને પંજાબ સુધી પહોંચતા ચીકુ ફ્રેશ રહે અને ત્યાંના બજારમાં સારા ભાવ મળવાની આશા વેપારીઓ સેવી રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમલસાડ APMC દ્વારા પણ અત્યાર સુધી રોજના 4 હજાર મણ ચીકુ આવતા હતા, પણ લાભ પાંચમથી આવકમાં વધારો થતા ખેડૂતોને સારો ભાવ મળવાની આશા વ્યક્ત કરી હતી. જેની સાથે જ માર્કેટમાં આવતા ચીકુ બજાર સુધી પહોંચાડવામાં કોઈ મુશ્કેલી ન પડે એ માટે વેપારીઓ સાથે પણ તાલમેલ બનાવી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઊભી કરવાના પ્રયાસો પણ આરંભ્યા છે. જેમાં અમલસાડ રેલ્વે સ્ટેશનથી દિલ્હી સુધીની ચીકુ માટેની વિશેષ ટ્રેન ફાળવાય એવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે સારા વાતાવરણે ગુણવત્તાયુક્ત ચીકુના ઉત્પાદન સાથે સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદ ફેલાયો છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

