
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. હવે કોરોનાને લીધે મૃત્યુ થયુ હોય તેવા મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. અને તેના ફોર્મનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ કોરોનાના સહાયના મુદ્દે ગુજરાત સરકારની આલોચના કરી હતી, ડેથ સર્ટીફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના લખેલું હોય તેને જ સહાય મળી શકે પણ મોટાભાગના કેસમાં મૃત્યુનું કારણ કોરોના લખવામાં આવ્યું જ નથી ત્યારે હજારો પરિવારો સરકારી સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આ મુદ્દે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા મહત્વની કવાયત શરૂ કરવામાં આવી છે, કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સહાય મેળવવા માટે હવે કોવિડનો પોઝિટિવ રિપોર્ટ માન્ય કરવાની દિશામાં સરકાર વિચારણા કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પરિપત્રને મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી આ મામલે રાજ્ય સરકારે ગંભીરતાથી વિચારણા શરૂ કરી છે અને આ પરિપત્ર માં કેટલાક સુધારા દાખલ કરવાની દિશામાં આજે મહત્વની બેઠક રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બોલાવી હતી. જેમાં કોવિડથી મૃત્યુ પામેલા લોકોને 50000 ની સહાય આપવાની થાય છે તે કિસ્સામાં રાજ્ય સરકાર હવે ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ માન્ય રાખવાની દિશામાં આગળ વધી રહી છે.
કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઊઠ્યો હતો કે, ઘણા મૃતકનાં સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં નહોતું આવ્યું. આ મામલે હોબાળો થતાં હવે ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયાર કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં એના પર ખરાઈ કરીને સર્ટિફિકેટ આપવામાં આપવામાં આવશે. 15 નવેમ્બરથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.