
મોબાઈલ ખરીદતા પહેલા અહીં કરો ચેક, મોદી સરકારની ગુનાખોરી અટકાવવા અનોખી પહેલ
નવી દિલ્હીઃ દેશમાં ચોરીના મોબાઈલ ફોનનો ગેરકાયદે ઉપયોગને અટકાવવા માટે કેન્દ્ર સરકારે એક એકશન પ્લાન તૈયાર કર્યો છે. જેથી ચોરીના મોબાઈલ ફોનથી ગેરકાયદે પ્રવૃતિઓ અટકાવી શકાશે. સરકારે ચોરીના મોબાઈલ ફોનના ગેરકાયદે ઉપયોગને અટકાવવા માટે એક સીઈઆઈઆર પોર્ટલ લોન્ચ કર્યું છે. જેની ઉપર ફરિયાદ કરવાથી મોબાઈલ ફોન બ્લોક થઈ જાય છે. એટલું જ નહીં નવો મોબાઈલ ફોન ખરીદતા પહેલા પણ સીઈઆઈઆર પોર્ટલ ઉપર તેના આઈએમઈઆઈ નંબર સહિતની વિગતો ખરીદનાર ચેક કરી શકશે.
ભારતમાં મોબાઈલ ફોનની ચોરી થયા બાદ તે પરત મળવો મુશ્કેલ છે. જો કે, સરકારે લોકોને રાહત મળી રહે તે માટે સેન્ટ્રલ ઈક્યુપમેન્ટ આઈડેટીટી રજિસ્ટર (સીઈઆઈઆર) પોર્ટલ લોન્ચ કર્યું છે. આ સાઈટ પર આપના ચોરી થયેલા ફોન અંગે ફરિયાદ કરી શકો છો. તમારી ફરિયાદ સરકાર આપના મોબાઈલ ફોનના IMEI નંબરને ભ્લોક કરી દેશે અથવા તેને ટ્રેકિંગ ઉપર મુકી દેશે. જે બાદ તમારા ફોનમાં બીજુ સીમકાર્ડ નાખવામાં આવશે કે તરત જ મોબાઈલ ફોન ટ્રેક થશે અને તેનું લોકેશન મળી જશે. જો કે, પોર્ટલ ઉપર ફરિયાદ કરતા પહેલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવી જરુરી છે. જે બાદ દુર સંચાર સહાયતા કેન્દ્રના નંબર 1442 ઉપર ચોરીની જાણકારી આપવાની રહેશે. પોર્ટલ ઉપર જરુરી જાણકારી સાથે ફરિયાદ કર્યાં બાદ આપનો ફોન બ્લોક કરી દેવામાં આવશે. આ સેવા પહેલા પાઈલોટ પ્રોજેક્ટ હેઠળ કેટલાક ગણતરીના શહેરોમાં કાર્યરત કરવામાં આવી હતી જો કે, હવે તમામ રાજ્યમાં અમલી કરાઈ છે. સરકારના આ પગલાથી દેશની જનતાને ભારે રાહત રહેશે. તેમજ મોબાઈલ ચોરી થયા બાદ મોબાઈલ ફોન ધારકને ભવિષ્યમાં રાહત મળશે.