
ગુજરાતમાં તમામ 33 જિલ્લા પંચાયતોમાં કાયદાના સલાહકારોની નિમણૂંકો કરવા સરકારનો નિર્ણય
ગાંધીનગરઃ જિલ્લા પંચાયતમાં ચાલતા કોર્ટ કેસ અંગેની કાર્યવાહી યોગ્ય રીતે થાય તે માટે રાજ્યના પંચાયત વિભાગ દ્વારા કાયદા સલાહકારની નિમણુંકનો નિર્ણય કરાયો છે. રાજ્યની 33 જિલ્લા પંચાયતો કચેરીઓમાં કાયદા સલાહકારની નિમણૂંક કરવામાં આવશે. જોકે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મળેલી સમિતિ દ્વારા કાયદા સલાહકારની પસંદગી કરાશે. રાજ્યભરની જિલ્લા પંચાયતોમાં તાબાની કચેરીઓ તેમજ ગામો કે કર્મચારીઓ તરફથી કોઇ બાબતે કોર્ટ કેસ કરવામાં આવે છે. ત્યારે કોર્ટ કેસ અંગે માર્ગદર્શન માટે એડવોકેટની સેવા લેવામાં આવતી હોય છે. ઉપરાંત કોર્ટ કેસની મુદત વખતે કોર્ટમાં હાજર રહેવા સહિતની કામગીરીમાં જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ રોકાયેલા રહે છે. જેની સીધી અસર કચેરીની કામગીરી ઉપર પડે છે. ત્યારે કોર્ટ કેસને લગતી કામગીરી અંગે યોગ્ય માર્ગદર્શનની સાથે સાથે કોર્ટ કેસની મુદત તેમજ લડવા સહિતની કામગીરી સરળતાથી થઇ શકે તે માટે રાજ્યના પંચાયત વિભાગ દ્વારા રાજ્યભરની 33 જિલ્લા પંચાયતોમાં કાયદા સલાહકારની નિમણુંક કરવાનો નિર્ણય લીધો છે. જોકે જિલ્લા પંચાયતમાં કાયદા સલાહકારની નિમણુંક 11 માસના કરાર આધારીત જ કરવામાં આવનાર છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં 33 જિલ્લા પંચાયતોમાં કાયદાના સલાહકારની નિમણુંક કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જેમાં કાયદા સલાહકારની નિમણુંક કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવશે. કમિટી દ્વારા રાજ્યના પંચાયત વિભાગે નક્કી કરેલા ધારા-ધોરણ મુજબ 11 માસના કરાર આધારિત નિમણુંક કરવાની રહેશે તેવો ઉલ્લેખ પંચાયત વિભાગે કરેલા આદેશમાં કરેલો છે. જોકે કાયદા સલાહકારની નિમણુંક અંગે પંચાયત વિભાગ દ્વારા વખતોવખતની સરકારની 11 માસના કરાર આધારીત સેવાની શરતો અને બોલીઓના આધારે કરવાની રહેશે તેવો આદેશમાં ઉલ્લેખ કર્યો છે. કોર્ટ કેસને લગતી કામગીરી અંગે યોગ્ય માર્ગદર્શનની સાથે સાથે કોર્ટ કેસની મુદત તેમજ લડવા સહિતની કામગીરી સરળતાથી થઈ શકશે.