
બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્ત ખેડુતોને સહાય આપવામાં સરકારે ભેદભાવ કર્યો છેઃ કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું આવ્યું ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓ ખૂબ જ પ્રભાવિત બન્યા હતા. તત્કાલિન સમયે ખેડૂતોને અનેક રીતે નુકશાન વેઠવું પડ્યું હતું જેમાં ખેતીની જમીન અને ખેડૂતોના પાકનું ધોવાણ થયું હતું. સરકાર તરફથી જે પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં માત્ર બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને સહાય આપવામાં આવશે અને તેનાથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને ગમે તેટલું નુકશાન થયું હોવા છતાં સહાયથી વંચિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, સરકારે ખેડૂતો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો છે, સરકારને સમાનનીતિ બનાવવી જોઈએ, તેમ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતુ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જયારે બિપરજોય વાવાઝોડ આવ્યા બાદ સરકાર તરફથી સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં જમીન ધોવાણ થયું તેની યાદી બનાવીને સરકારને સુપરત કરવમાં આવી હતી યાદીમાં ભેદભાવભરી નીતિ જોવા મળી હતી. સરકાર તાજેતરમાં કરેલા પરિપત્રમાં માત્ર બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે અને બે હેક્ટર કરતા વધુ જમીન ધરાવતા ખેડૂતોને કોઈ પ્રકારની સહાય ચૂકવવામાં આવશે નહી.એવી જાહેરાત કરી છે. આ સરકાર ખેડૂતો પ્રત્યે ભેદભાવ રાખે છે. જે ખેડૂતોને નુકશાન થયું છે તે તમામને સહાય ચૂકવવી જોઈએ પરંતુ સર્વે કરીને જમીન ધોવાણ થયું છે તેની યાદી જાહેર કરવામાં આવી પરંતુ ખેડૂતો જોડે સરકારે મજાક કરીને માત્ર બે હેક્ટર જમીન ધરાવે છે તેઓને સહાય ચૂકવામાં આવશે એવો પરિપત્ર કર્યો છે. બિપરજોય વાવાઝોડ આવ્યું ત્યારે સૌથી વધુ નુકશાન ધાનેરા તાલુકાના જડિયા ગામને થયું હતું. કેટલાક ખેડૂતોને જમીનનું ધોવાણ મોટા પાયે નુકસાન થયું હતું પરંતુ સરકારે સર્વે કરીને યાદી તૈયાર કરી હતી જેમાં નામ હોવા છતાં કેટલાક ખેડૂતોને જમીન ધોવાણની સહાય મળશે નહીં તેના લીધે ખેડુતો નિરાશ થયા છે. આ બિપરજોય વાવાઝોડાને લીધે નુકશાન થયું છે તે તમામ ખેડૂતોને પ્રતિ હેકટર પ્રમાણે ચોક્સનીતિ બનાવીને સહાય ચૂકવવી જોઈએ.