1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે આદિવાસી યાત્રાળુંને 5000ની સહાય અપાશેઃ પ્રવાસન મંત્રી
રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે આદિવાસી યાત્રાળુંને 5000ની સહાય અપાશેઃ પ્રવાસન મંત્રી

રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે આદિવાસી યાત્રાળુંને 5000ની સહાય અપાશેઃ પ્રવાસન મંત્રી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના આદિવાસી વિસ્તારના માતા શબરીના વંશજો એવા, આદિવાસી સમાજના પ્રજાજનોને, શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય આપવામાં આવશે, તેમ રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશ  મોદીએ જણાવ્યું હતું.

ડાંગ જિલ્લામાં દંડકારણયની પાવન ભૂમિ ઉપર વિજયા દશમીની ઉજવણીની સાથે હવેથી પ્રતિવર્ષ પ્રભુ શ્રીરામ સાથે જોડાયેલા ગુજરાતના તીર્થ સ્થાનો ઉપર દશેરા મહોત્સવનું આયોજન કરવાની નેમ વ્યક્ત કરતા તેમણે ભારત વર્ષની ઉચ્ચત્તમ શાસ્ત્રોક્ત પદ્ધતિ, અને યુગ યુગાન્તરની ગણના પદ્ધતિનો ખ્યાલ આપી, પ્રભુ શ્રી રામ, રામાયણ અને રામસેતુને કાલ્પનિક કહેનારા લોકોને વૈજ્ઞાનિક પ્રમાણો મળી ચુક્યા છે તેમ જણાવ્યુ હતુ.

નવ નવ દિવસની શક્તિ આરાધનાની માં જગદંબાના ધામ શક્તિપીઠ અંબાજીથી પ્રારંભાયેલી યાત્રાનુ સમાપન શબરી ધામે થઈ રહ્યુ છે, તેમ જણાવતા પ્રવાસન મંત્રીએ સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ થયો છે તેની વિગતો આપી હતી.

મંત્રી નરેશભાઇ પટેલે ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોમા શ્રેણીબદ્ધ વિકાસ કામો હાથ ધરીને પ્રજાજનોના સર્વગ્રાહી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ વક્તવ્યમા જણાવ્યું હતું. ડાંગ જિલ્લાના પ્રજાજનો સુખી અને સમૃદ્ધ બને તેવા સુભાશિષ આપતા વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલે બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનને પુનઃ શરૂ કરી આ વિસ્તારના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસરત છે તેમ જણાવ્યું હતું.

ડાંગના ધારાસભ્ય વિજય પટેલે દશેરા પર્વની સૌને શુભકામના પાઠવી હતી.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલે કાર્યક્રમની રૂપરેખા આપી મંત્રી સહિતના મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતુ. શબરી ધામમાં રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા પાંચ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનો ખ્યાલ આપી સચિવે શબરી ધામ સિવાયના યાત્રા ધામોનો પણ તબક્કાવાર વિકાસ થઈ રહ્યો છે તેમ જણાવ્યુ હતુ. કાર્યક્રમના અંતે આભારવિધિ ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ આટોપી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code