
ગુજરાતઃ 10 લાંચિયા અધિકારીઓ સામે ACBની કાર્યવાહી, 25 કરોડની અપ્રમાણસરની મિલક્ત શોધાઈ
અમદાવાદઃ ચાલુ વર્ષે બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં પ્રો-એક્ટીવ કામગીરી હાથ ધરી જે સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની હકીકત પ્રાપ્ત થાય તેવી કચેરીમાં ડિકોયનું આયોજન કરી કુલ- ૧૩ જેટલા સફળ કેસો કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે હાલ સુધીમાં કુલ-૧૦૪ લાંચ અંગેના કેસો કરવામાં આવેલ છે. તાજેતરમાં ભ્રષ્ટાચાર થકી અપ્રમાણસર મિલકત વસાવેલ હોય તેવા સરકારી અધિકારી/કર્મચારી શોધી કાઢી, હાલ સુધીમાં કુલ- ૧૦ કેસો દાખલ કરી કુલ- રૂ.૨૫,૦૪,૭૦,૨૭૮/- ની અપ્રમાણસર મિલકત શોધી કાઢવામાં આવેલ છે. આમ, સરકારશ્રીનાં માર્ગદર્શન અને પૂરતા સહકારથી બ્યુરો દ્વારા હાલમાં ભ્રષ્ટાચારીઓ વિરુધ્ધ મહાઅભિયાન હાથ ધરવામાં આવેલ છે.
• ‘CARE’ પ્રોગ્રામ
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં લાંચ અંગેની ફરીયાદ આપવામાં આવે ત્યારબાદ ફરીયાદીને જે તે વિભાગ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની ઘણી રજૂઆતો બ્યુરો તથા સરકાર કક્ષાએ થતી હતી. આ સ્થિતિને નિવારવા અને ફરીયાદીને યોગ્ય અને પૂરતુ રક્ષણ મળી રહે તે સારુ સરકાર તરફથી મળેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન આધારે નિયામકશ્રી દ્વારા બ્યુરો ખાતે ‘CARE’ (Caring of Applicant & Responding Effectively) પ્રોગ્રામ ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૪ થી અમલમાં મૂકવામાં આવેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત બ્યુરોનાં દરેક અધિકારી/કર્મચારી એક માસમાં ઓછામાં ઓછા એક ફરીયાદીને રૂબરૂમાં તેઓના નિવાસસ્થાને કે કામકાજ સ્થળે જઈ સંપર્ક કરશે અને ફરીયાદી બન્યા પછી તેઓને કોઈ મુશ્કેલી કે કનડગત થતી હોય તો તે જાણી, તેના યોગ્ય અને સુખદ નિવારણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
‘CARE’ પ્રોગ્રામના અમલીકરણથી ભ્રષ્ટાચાર વિરુધ્ધની લડાઈમાં ફરીયાદ કર્યા બાદ જાગૃત નાગરિકને કનડગત ન થાય તેની તકેદારી એ.સી.બી. ગુજરાત તરફથી રાખવામાં આવી રહેલ છે. આ પ્રોગ્રામ થકી ભ્રષ્ટાચાર વિરુધ્ધની લડાઈમાં સહભાગી બનવા માંગતા તમામ નાગરિકોમાં પોતાનો આત્મવિશ્વાસ વધશે અને તે થકી બ્યુરો પ્રત્યેના વિશ્વાસમાં વધારો કરવાનો રહેલો છે. જો કોઈ સરકારી અધિકારી/કર્મચારી એ.સી.બી.નાં ફરીયાદી સાથે યોગ્ય વર્તન ન કરતા હોય તો તેઓનાં વિભાગ કક્ષાએ અવગત કરાતા સરકારશ્રી કક્ષાએથી યોગ્ય પગલા લેવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત કુલ-૯૦૦ થી વધુ ફરીયાદીઓનો સંપર્ક કરવામાં આવેલ છે. આ કારણથી ફરીયાદીઓ તથા નાગરિકોમાં બ્યુરો પ્રત્યેનો વિશ્વાસ વધવા પામેલ છે જેના કારણે નાગરિકો તરફથી ભ્રષ્ટાચાર વિરુધ્ધ મળતી ફરીયાદોમાં પણ વધારો થયેલ છે. વધુમાં, CARE પ્રોગ્રામમાં ડિઝિટલાઈઝેશન સ્વરૂપે માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે જેથી સંગ્રહિત માહિતીનો ઝડપી અને સુચારુરૂપથી ઉપયોગ થઈ શકે.