
ગુજરાત: ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ, રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈએ
- રિપીટર વિદ્યાર્થીઓની યોજાશે પરીક્ષા
- 15 જુલાઈથી શરૂ થશે પરીક્ષાનો કાર્યક્રમ
- જીએસઈબી દ્વારા લેવાયો નિર્ણય
ગાંધીનગર: ગુજરાતમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે એક પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો.જેનો જવાબ થોડા દિવસો પહેલા GSEB દ્વારા આપવામાં આવ્યો હતો અને ધોરણ 10-12 રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું.
આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય લેવાયો છે.
બોર્ડ દ્વારા આજે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ- 10/12 રીપીટર/ખાનગી/પુથ્થક ઉમેદવારો માટે 15 જુલાઈથી પરીક્ષા લેવાશે. શિક્ષણ બોર્ડ દ્વારા 15 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન પરીક્ષા યોજાશે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ Www. GSEB.ORG પર વિદ્યાર્થીઓ કાર્યક્રમ જોઈ શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ, ધો.10ની પરીક્ષા 15થી 27 જુલાઈ સુધી લેવાશે. જ્યારે ધો. 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 15થી 26 જુલાઈ સુધી હશે તથા આર્ટ્સ અને કોમર્સના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા 28 તારીખે છેલ્લું પેપર બોર્ડ દ્વારા લેવામાં આવશે.
જો કે કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રકારના નિર્ણયો પણ લેવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓએ કોરોનાગાઈડલાઈનનું પાલન પણ કરવું પડશે અને શાળા પ્રશાસન દ્વારા પણ આ બાબતે ધ્યાન રાખવામાં આવશે.