1. Home
  2. Bharat@2047
  3. ગુજરાત ભાજપ દ્વારા એક મહિના સુધી વિવિધ સ્તરે જી-રામ-જી યોજના વિશે જાગૃતિ કાર્યક્રમો યોજાશે
ગુજરાત ભાજપ દ્વારા એક મહિના સુધી વિવિધ સ્તરે જી-રામ-જી યોજના વિશે જાગૃતિ કાર્યક્રમો યોજાશે

ગુજરાત ભાજપ દ્વારા એક મહિના સુધી વિવિધ સ્તરે જી-રામ-જી યોજના વિશે જાગૃતિ કાર્યક્રમો યોજાશે

0
Social Share
  • વસંત પંચમીએ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ
  • ૨૭ થી ૨૯ જાન્યુઆરી જિલ્લા સ્તરે, ૧ થી ૫ ફેબ્રુઆરી મંડલ સ્તરે જનજાગરણ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાશે
  • ૫ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન દરેક તાલુકામાં શ્રમિક સંમેલન યોજાશે, ૧૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ભાજપા કિસાન મોરચા દ્વારા ગ્રામ્ય સ્તરે ખેડૂત શ્રમિક ખાટલા બેઠકોનું આયોજન

ગાંધીનગર, 24 જાન્યુઆરી, 2026ગુજરાત ભાજપ દ્વારા એક મહિના સુધી વિવિધ સ્તરે વિકસિત ભારત જી-રામ-જી યોજના વિશે જાગૃતિ કાર્યક્રમો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત ગઈકાલે વસંત પંચમીના પવિત્ર દિવસે પ્રદેશ ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે ભાજપાના “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત યોજાયેલી પ્રદેશ કાર્યશાળા દરમિયાન કરવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કાર્યશાળામાં રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો, જિલ્લા ભાજપા અધ્યક્ષો, જિલ્લા પંચાયતના પ્રમુખો, સંગઠન દ્વારા નિયુક્ત અભિયાનના જિલ્લાના સંયોજક અને સહ-સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા, તેમ ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

શું કહ્યું ભાજપા પ્રદેશ અધ્યક્ષે?

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ તેઓના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની અંત્યોદયની વિચારધારા હેઠળ દેશના ગ્રામીણ વિસ્તારના શ્રમિકોને વધુ સશકત બનાવવા તેમજ વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂતી આપવા મનરેગા યોજનામાં સમયોચિત ફેરફારો કરી વધુ પારદર્શિતા, વધુ અસરકારકતા સાથે વિસ્તૃત આયામો સાથે કામોની વ્યાપકતા વધારી લાંબાગાળાના વિકાસના ધ્યેય સાથે “VB-G RAM G- વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)” યોજના દેશના ગ્રામીણ શ્રમિકો માટે બનાવી છે.

જગદીશભાઈ વિશ્વકર્માએ અગાઉની મનરેગા યોજનાની સરખામણીએ નવા અનેક મહત્ત્વના સુધારા સાથેના VB-G RAM G અધિનિયમ અંગેની સાચી અને ઉપયોગી માહિતી જમીની સ્તરે દરેક ગામડાં સુધી, જન જન સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું. તેઓએ કહ્યું કે, કોંગ્રેસ ગ્રામીણ વિસ્તારોમાં શ્રમિકો વચ્ચે આ અધિનિયમ અંગે ખોટી અને ગેરમાર્ગે દોરતી બાબતો ફેલાવવાનું દુર્ભાગ્યપૂર્ણ કૃત્ય કરી રહી છે.

વાસ્તવમાં, VB-G RAM Gમાં પારદર્શિતા વધવાથી કોંગ્રેસ અને તેના મળતિયાઓ તેમજ વચેટિયાઓ દ્વારા મનરેગામાં થતો ભ્રષ્ટાચાર બંધ થવાના ડરથી કોંગ્રેસ આ વિરોધ કરી રહી છે. પણ ભાજપનો પ્રત્યેક કાર્યકર અને ચૂંટાયેલા સભ્ય આ યોજનાની સાચી માહિતી જન જન સુધી પહોંચાડશે. કોંગ્રેસને આ યોજનામાં રામનાં નામથી તકલીફ છે, ગામના સર્વાંગી વિકાસથી તકલીફ છે, શ્રમિકને કામ મળે તેનાથી પણ તકલીફ છે. રામ, ગામ અને કામ ત્રણેય થી કોંગ્રેસને વાંધો છે.

સંગઠન મહામંત્રીની હાકલ

આ પ્રસંગે સંગઠન મહામંત્રી રત્નાકરજીએ VB-G RAM G જનજાગરણ અભિયાન અન્વયે સુચારુ આયોજન, કાર્યપદ્ધતિ સહિત વિવિધ સંગઠનાત્મક વિષયો અંગે માર્ગદર્શન આપી રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો સહિત સ્થાનિક સ્તર સુધીની ચૂંટાયેલી પાંખ, સંગઠનના પદાધિકારીઓથી બુથ સ્તર સુધીના સમગ્ર સંગઠનને જનજાગરણ અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને ગ્રામીણ નાગરિકોની રોજગારી માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ લવાયેલા VB-G RAM G અધિનિયમ અંગેની સાચી માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા હાકલ કરી હતી.

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ VB-G RAM G અંતર્ગત શ્રમિકોના લાંબાગાળાના વિકાસ માટેની જોગવાઈઓ, યોજનાના વિવિધ લાભકારી પાસા અને આ અધિનિયમ થકી ગ્રામીણ વિકાસના વિવિધ આયામો અંગે વિસ્તૃત છણાવટ કરી સૌને માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, પીએમ ગતિશક્તિ પોર્ટલ સિસ્ટમ અને નેશનલ સ્પેશ્યલ પ્લાનિંગ સિસ્ટમ સાથે VB-G RAM G હેઠળના કામોના ઇન્ટીગ્રેશનથી ગ્રામ્યકક્ષાએ બહુમાળખાકીય કામો સુનિશ્ચિત બનશે.

જનજાગરણ અભિયાનની રૂપરેખા

પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેનભાઈ હિરપરાએ ભાજપાના VB-G RAM G જનજાગરણ અભિયાન અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યાનુસાર પ્રદેશ ભાજપાની કાર્યયોજના મુજબ ૨૭ થી ૨૯ જાન્યુઆરી દરમિયાન તમામ જિલ્લામાં, ૧ થી ૫ ફેબ્રુઆરીમાં તમામ મંડલોમાં અભિયાન અંગેની કાર્યશાળા યોજાશે. ૫ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન દરેક તાલુકામાં શ્રમિક સંમેલન યોજાશે જેમાં વિશાળ સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહેશે. ૧૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ભાજપા કિસાન મોરચા દ્વારા ખેડૂત શ્રમિક ખાટલા બેઠકોનું ગ્રામ્ય સ્તરે આયોજન કરવામાં આવશે જેમાં VB-G RAM G અંગેની સચોટ માહિતી અંગે વાર્તાલાપ કરાશે.

આ પણ વાંચોઃ બનાસકાંઠા વિભાગના સંઘ કાર્યાલય “વંદે માતરમ ભવન”નું લોકાર્પણ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code