
ગુજરાત વિધાનસભાની ચૂંટણી: દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરનો આજથી પ્રારંભ
- કોંગ્રેસની ચિંતન શિબિરનો આજથી પ્રારંભ
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ આગેવાનોનું મંથન
- 26 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી રહેશે ઉપસ્થિત
રાજકોટ: દ્વારકામાં આજથી ત્રણ દિવસ ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરની શરૂઆત થઈ ચૂકી છે.ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારકા ખાતે આવી પહોંચ્યા છે.જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરત સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ સહિતના દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ સાથે મિશન 2022નું બ્યુગલ ફૂંકવા તૈયાર બતાવી છે.
આ સાથે કોંગ્રેસ જિલ્લા તેમજ પ્રદેશના અગ્રણીઓએ દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા અને કૉંગ્રેસ અગ્રણીઓ દ્વારા દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. તો ચિંતન શિબિરમાં 26 ફેબ્રુઆરીના રોજ એટલે કે આવતીકાલે રાહુલ ગાંધી દ્વારકા આવી પહોંચશે.
ઉલ્લેખનીય છે કે 2017માં કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ભાજપને જોરદાર ટક્કર આપવામાં આવી હતી. ગુજરાતમાં કોંગ્રેસને 2017માં સહકાર પણ સારો એવો મળ્યો હતો જેના કારણે ભાજપને પણ વિધાનસભા-2017ની ચૂંટણી જીતવામાં થોડી તકલીફ પડી હતી. જો કે ગુજરાતને ભાજપનો ગઢ કહેવામાં આવે છે, ગુજરાતમાં કોંગ્રેસ ઘણા લાંબા સમયથી સત્તા પર આવી નથી અને રાજનીતિના જાણકારો દ્વારા તો એવું પણ કહેવામાં આવે છે કે કોંગ્રેસને જો ગુજરાતમાં જીત મેળવવી હોય તો સખત અને જોરદાર મહેનત કરવી પડશે.