ગુજરાત કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ’નું સમાપન: VIDEO
- આમ આદમી પાર્ટી ભાજપની જ રણનીતિનો ભાગ છે તેનો હેતુ મતવિભાજન કરીને ભાજપને ફાયદાઓ પહોંચાડવાનો છે : મુકુલ વાસનિક
- ૧૪૦૦ કિ.મી.ની બીજા ચરણની યાત્રાના સમાપન પ્રસંગે દાહોદ ખાતે આયોજિત જનઆક્રોશ સભામાં પ્રચંડ જનસમર્થન
દાહોદ, 7 જાન્યુઆરી, 2026 – Gujarat Congress ગુજરાત કોંગ્રેસની બીજા તબક્કાની જનઆક્રોશ યાત્રાનું સમાપન થયું છે. ગત 20 ડિસેમ્બરે શરૂ થયેલી પરિવર્તનના શંખનાદ માટેની આ યાત્રાનું ગઈકાલે 6 જાન્યુઆરી, 2026ને મંગળવારે દાહોદ ખાતે સમાપન થયું હતું. આ પ્રસંગે વિશાળ જનસભા યોજાઈ હતી જેને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત પક્ષના અનેક અગ્રણીઓએ સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું કે આજે આદિવાસી વિસ્તારોમાં બાળકો કુપોષિત હાલતમાં જોવા મળે છે, સારા રોડ-રસ્તાઓનો અભાવ છે અને આદિવાસી વિસ્તારોમાં પૂરતી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ નથી. ઉપરાંત રોડ-રસ્તાઓ બનાવવાના નામે મોટાપાયે આદિવાસીઓની જમીનોનું અધિગ્રહણ કરવામાં આવી રહ્યું છે અને યોગ્ય વળતર પણ આપવામાં આવી રહ્યું નથી. મનમોહન સિંહજી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે કોંગ્રેસની સરકારે એવો કાયદો બનાવ્યો હતો કે ગામમાં રહેતા લોકોને તેમની જમીનનું પૂરતું વળતર મળ્યા વિના અને તેમની સંમતિ વિના જમીન અધિગ્રહણ થઈ શકે નહીં, પરંતુ હાલની સરકાર આ વાત સાંભળવા તૈયાર નથી.
અંતમાં તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની જ રણનીતિનો ભાગ બની લોકોને ગેરમાર્ગે દોરી રહી છે અને તેનો હેતુ માત્ર મતવિભાજન કરવાનો છે, જેથી મળેલા મત અંતે ભાજપની ઝોળીમાં જ જાય અને તેનો સીધો ફાયદો ભાજપને થાય.

શું કહ્યું અમિતભાઈ ચાવડાએ?
જન આક્રોશ યાત્રાને સંબોધિત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ભાજપ સરકાર આદિવાસી સમાજના હક્ક અને અધિકારો છીનવવા માંગે છે. આદિવાસી સમાજને જંગલ જમીનના હક્કો, અનામત અને નોકરીઓ કોંગ્રેસના શાસનમાં આપવામાં આવી, પરંતુ ભાજપની સરકાર ભારતમાલા પ્રોજેક્ટ, જળાશય, અભ્યારણો અને એરપોર્ટ બનાવવાના નામે આદિવાસીઓની જમીનો હડપવાનું કામ કરી રહી છે. આદિવાસી યુવાઓને જાતિના દાખલા આપવામાં નથી આવતા અને આદિવાસી વિસ્તારોમાં રોજગારી માટે કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવતી નથી. રોજગારી ના મળતા આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનોને રાજ્યના અલગ-અલગ સ્થળોએ મજૂરી કરવા જવું પડે છે. આ ભાજપ ક્યારેય આદિવાસીઓના હિત માટે કામ કરતી નથી. ભાજપ સરકાર આદિવાસીઓ પાસેથી બધું છીનવીને ઉદ્યોગપતિઓને આપવા માંગે છે, પરંતુ અમે ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજના હક્ક અને અધિકારોની લડાઈમાં કોંગ્રેસનો એક-એક આગેવાન આદિવાસી સમાજની સાથે છે. આદિવાસી સમાજના હક્ક અને અધિકારો માટે કોંગ્રેસ લાઠી ખાવા, ગોળી ખાવા અને જેલ જવા માટે પણ તૈયાર છે.
ભાજપ સરકાર ઉપર આક્ષેપોનો મારો
ભાજપના શાસનમાં નલ સે જલ, મનરેગા સહિતની યોજનાઓમાં ભાજપના મંત્રીઓ અને નેતાઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. તત્કાલીન મંત્રી બચુભાઈ ખાબડ જ્યારે મંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીને સભાઓમાં સોનાના કડા અને મોટી સેરો પહેરાવતા લોકોને એવું લાગતું કે તેઓ ખૂબ ખર્ચો કરે છે, પરંતુ પાછળથી ખબર પડી કે મનરેગાના કૌભાંડમાંથી કમાયેલા પૈસાથી આ બધું કરવામાં આવતું હતું. જન આક્રોશ યાત્રાના સમાપન પ્રસંગે ગાંધીનગરની સત્તામાં બેઠેલા તમામ ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ કે હવે એ દિવસો દૂર નથી જ્યારે જનતા તમને રસ્તાઓ પર દોડાવશે. કોંગ્રેસનો પણ સંકલ્પ છે કે એક પણ ભ્રષ્ટાચારીને છોડવાનો નથી અને તમામ ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ ધકેલવાના છીએ.
ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય વિક્રાંત ભૂરિયાઃ
સભાના અંતમાં ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય વિક્રાંત ભૂરિયાએ જણાવ્યું કે આદિવાસી સમાજ કોઈને છેડતો નથી, પરંતુ કોઈ છેડે તો તેને છોડતો પણ નથી અને ભાજપે આદિવાસીઓને છેડવાનો પ્રયાસ કર્યો છે. હું ડોક્ટર છું અને જેમ ડોક્ટર સર્જરી કરે છે તેમ અમે ભાજપની રાજકીય સર્જરી કરવા તૈયાર છીએ. આદિવાસીઓની સાચી લડાઈ માત્ર કોંગ્રેસ જ લડી શકે છે અને આઝાદી બાદ આદિવાસીઓ માટે સાચું કામ માત્ર કોંગ્રેસે જ કર્યું છે. ગુજરાતમાં તાપી નર્મદા યોજનાના નામે આદિવાસીઓની જમીન હડપવામાં આવી રહી છે, જે સ્વીકાર્ય નથી.
૧૪૦૦ કિલોમીટર સંપન્ન થયેલી બીજા ચરણની જન આક્રોશ યાત્રાની દાહોદ ખાતે પૂર્ણાહૂતિ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રાંત ભુરીયા, સહ પ્રભારી રામકિશન ઓઝા, વરિષ્ઠ આગેવાન અને પૂર્વ સાંસદ મધુસુધન મિસ્ત્રી, ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી, અનંતભાઈ પટેલ, કાંતિભાઈ ખરાડી, અમરતજી ઠાકોર, ગુલાબસિંહ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા, ગુજરાત કોંગ્રેસ આદિવાસી વિભાગના અધ્યક્ષ રાજુભાઈ પારધી, પૂર્વ સાંસદ તથા પૂર્વ ધારાસભ્યઓ, વરિષ્ઠ આગેવાનો સહિત મોટી સંખ્યામાં જિલ્લા તાલુકા પ્રમુખો, જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સદસ્યો, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ, સેવાદળ, સોશિયલ મીડિયા, આદિવાસી ડિપાર્ટમેન્ટ સહિતના સર્વે સેલ ડિપાર્ટમેન્ટના આગેવાનઓ, પ્રવક્તાઓ, જન આક્રોશ યાત્રાના સર્વે પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં જન આક્રોશ યાત્રામાં ભાગ લઈને જન આક્રોશ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.


