
ગુજરાતઃ કેટલાક પેટ્રોલપંપ ઉપર ‘નો ડીઝલ’ના બોર્ડ લાગ્યાં, પેટ્રોલ માટે વાહન ચાલકોની લાંબી લાઈનો
અમદાવાદ: રાજ્યમાં ઈંઘણની અછતની ચર્ચાઓ વચ્ચે પેટ્રોલ પંપ ઉપર છેલ્લા કેટલાક દિવસથી વાહન ચાલકો પેટ્રોલ પુરાવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યાં છે. દરમિયાન કેટલાક પેટ્રોલ પંપો પર તો ડીઝલની અછતના બોર્ડ પર મારી દેવાયાનું જાણવા મળે છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને પણ સ્વીકાર્યું છે કે, હાલ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની 30થી 40 ટકાની ઘટ છે, પેટ્રોલીય કંપની તરફથી જથ્થો પૂરો પાડવામાં આવી નથી રહ્યો. રાજ્યમાં ખાસ કરીને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. બીજી તરફ રાજ્યમાં ચોમાસાની સીઝન શરૂ થતા આગામી દિવસોમાં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શકયતા છે. પરંતુ પેટ્રોલ પંપ એસોસિએશને જણાવ્યું કે, પેટ્રોલ પંપો પર લાઈનો લગાવવાની જરૂર નથી. લોકોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ મળી રહ્યું છે અને આગળ પણ મળતું રહેશે. જોકે ડીઝલની ઘટ સર્જાઈ છે અને આવનારા થોડા સમય સુધી તે રહેવાની છે.
એસોસિએશનના જણાવ્યા અનુસાર પેટ્રોલીયમ કંપનીઓ સાથે સપ્લાય નિયમિત કરવા બાબતે રાજ્ય સરકારની હાજરીમાં ત્રણ વખત બેઠક મળી ચૂકી છે. કંપનીઓ દર વખતે આશ્વાસન આપે છે કે પુરવઠો નિયમિત થઈ જશે પણ આવુ થતું નથી. પેટ્રોલ કરતાં ડીઝલમાં તો હાલત વધારે ખરાબ છે. પેટ્રોલીયમ કંપનીઓ તરફથી 30થી 40 ટકા જેવી સપ્લાય ઓછી છે. જેથી પેટ્રોલ પંપ માલિકોની મુશ્કેલી વધી છે. જોકે આઇઓસી તરફથી પુરવઠો નિયમિત મળતા લોકોને જરૂરિયાત મુજબનું પેટ્રોલ મળી રહે છે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં પેટ્રોલ પુરાવતા વાહનો ચાલકોને જરૂરિયાત મુજબનું જ પેટ્રોલ-ડીઝલ આપવામાં આવી રહ્યું છે. જથ્થાની અછત છે તેમ કહી ટાંકી ફુલ કરી દેવામાં નથી આવી રહી. પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી રહી છે. કેટલાક પેટ્રોલ પંપો પર કંપનીનો સપ્લાય ન હોવાના કારણે ડીઝલ બંધ છે. જો કે, રાજ્યમાં ઈંધણની કોઈ અછત નહીં હોવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે અને પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.