ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન 26મી જુને યોજાશે, 13,892 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીનો ખાસ પદવીદાન સમારોહ આગામી તા. 26મી જૂને યોજાશે. જેમાં યુનિવર્સિટીના અલગ-અલગ વિભાગના 13,892 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરાશે. આ સાથે જ કુલપતિની ટર્મ પણ આ મહિનાના અંતમાં એટલે કે, 30 જૂને પુરી થવાની છે, તે અગાઉ 26 જૂને ખાસ પદવીદાન સમારોહ યોજાશે. કુલપતિ હિંમાશું પંડ્યા અંતિમ પદવીદાન સમારોહમાં હાજરી આપશે.
ગુજરાત યુનિવર્સિટીનો ખાસ પદવીદાન સમારોહ આવતી કાલે તા. 26મી જુનને સોમવારે યોજાશે. આ પદવીદાન સમારોહમાં 13892 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. પદવીદાન સમારોહ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કૂલપતિ પંડ્યાનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો હોવાથી જો તેમની મુદતમાં વધારો કરવામાં નહીં આવે તો તેમની ઉપસ્થિતિનો આ છેલ્લો પદવીદાન હશે.
યુનિવવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં આગામી 26 જૂને ખાસ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જમાં આર્ટ્સમાં 2,521, સાયન્સમાં 1,262, ઇજનેરીમાં 18, લોમાં 413, મેડીકલમાં 2,357, કોમર્સમાં 6,006, ડેન્ટલમાં 496 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. કુલ 13,892 વિદ્યાર્થીને પદવી એનયાત કરવામા આવશે. આ પદવીદાનમાં હોશિયાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષમાં 2 વખત પદવીદાન સમારોહ યોજાય છે. દર વર્ષની શરૂઆતમાં રેગ્યુલર પદવીદાન સમારોહ યોજાય છે, ત્યારબાદ વર્ષના જૂન અથવા જુલાઈ મહિનામાં ખાસ પદવીદાન સમારોહ યોજાય છે. જે વિદ્યાર્થીઓ અગાઉ ફોર્મ ન ભર્યું હોય અથવા રિટેસ્ટ આપી હોય અથવા નિયમિત કરતા મોડા પરીક્ષા આપીને પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પદવીદાન સમારોહ યોજાય છે.