
અમદાવાદઃ શહેરના મ્યુનિ. કમિશનર સ્વચ્છતાના આગ્રહી છે. અને શહેરના રોડ-રસ્તાઓને સાફ-સુતરા રાખવા માટે અધિકારીઓને સુચના આપતા હોય છે. ત્યારે મ્યુનિ.ના સોલીડ વેસ્ટ વિભાગે જાહેરમાં રસ્તાઓ પર કચરો ફેંકતા અને ગંદકી કરનારા સામે ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા અને થલતેજ વિસ્તારમાં ગંદકી કરનારા સાત એકમને સીલ મારવામાં આવ્યા હતા.
મ્યુનિ.ના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં જાહેર રોડ પર ગંદકી કરનારા, પાનના ગલ્લા, ચાની કિટલીઓ પર પ્રતિબંધિત પેપરકપ તેમજ પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.ઉત્તર પશ્ચિમ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા ચાંદલોડિયા અને થલતેજ વોર્ડમાં ચેકીંગ કરતાં જાહેર રોડ પર ગંદકી બદલ સાત દુકાનને સીલ કરી દેવામાં આવી હતી. ઉપરાંત અન્ય વોર્ડમાં પણ ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અલગ અલગ વોર્ડમાં જાહેરમાં ગંદકી કરી ન્યુસન્સ કરતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા એકમો સામે સખત કાર્યવાહી કરવામાં આવી હતી. થલતેજના હેબતપુર રોડ પર આવેલા વાડીલાલ હેપીનેસ, ડ્રાઇવિંગ કોમ્પલેક્ષ પર આવેલા હટકે વડાપાઉં, ડ્રાઇવિંગ રોડ પર આવેલી ખોડીયાર રેસ્ટોરાં, ચાંદલોડિયા વિસ્તારમાં ચામુંડા ફ્લોર ફેક્ટરી સહિત સાત દુકાનોની બહાર વધુ કચરો મળી આવતાં તેને સીલ કરવામાં આવી હતી. ગંદકી કરી ન્યુસન્સ કરતા કુલ 84 એકમો ચેક કરી કુલ રૂ. 61000 વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો. 37 નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કુલ 11 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કર્યો હતો..
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પૂર્વ ઝોનના સ્ટાફ દ્વારા ઘરનો કચરો ડોર ટુ ડોર ગાડીમાં આપવા સમજણ આપવામાં આવી છે. આગામી દિવસોમાં જો આવી ચાલીઓ/સ્લમ વિસ્તાર/ઇ.ડબ્લયુ.એસ.આવાસોમાં ગંદકી સામે કાર્યવાહી કરવામાં આવશે. કચરો જાહેર રોડ પર નાંખવામાં આવશે તો તેની સામે પણ દંડાત્મક કાર્યવાહી કરાશે. વધુમાં રાત્રિ ફ્લાઈગ સ્કવોર્ડ દ્વારા પણ ગંદકી કરતા એકમને નોટિસ તથા સીલ કરવાની કામગીરી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ગંદકી કરતા એકમો સામે કડક વલણ દાખવી સ્વચ્છતાનું ઉચ્ચ ધોરણ જાળવવા કટિબદ્ધતા સાથે કામ કરી રહ્યું છે. સાથે સાથે સ્વચ્છતા અભિયાન/આઈ. ઈ.સી. એક્ટિવિટી કરી જન જાગૃતિ લાવી સ્વચ્છતા જાળવવા શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવી છે.