
ગુજરાત યુનિવર્સિટીને 60 હજારથી વધારે વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા લેવી પડે તેવી સ્થિતિ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ અંડર ગ્રેજ્યુએશન સેમેસ્ટર ૧ ,૬ અને પી.જી. સેમેસ્ટર ૬માં ઓનલાઇન-ઓફલાઇન પરીક્ષા માટેનો વિકલ્પ આપવા માટે આજે છેલ્લો દિવસ હતો ત્યાર અત્યાર સુધીમાં કુલ ૯૦ હજારમાંથી માત્ર ૩૦ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન એક્ઝામની સંમતિ આપી છે. આ સ્થિતિમાં યુનિવર્સિટીએ ૬૦ હજારથી વધારે વિદ્યાર્થીઓની ઓફલાઇન એક્ઝામ લેવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
યુનિવર્સિટીએ ઓફલાઇન એક્ઝામ લેવી ન પડે તે માટે ઓનલાઇન એક્ઝામ લેવાનુ નક્કી કરાયુ હતુ. વિદ્યાર્થીઓને ઓનલાઇન એક્ઝામ આપવી છે કે ઓફલાઇન તે માટેનો વિકલ્પ આપવા સૂચના આપવામાં આવી હતી. અગાઉ તા.૨૧મી સુધીમાં આ પસંદગી કરવા કહ્યુ હતુ. રાજયમાં વાવાઝોડાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં કેટલાક વિદ્યાર્થીઓ ઓનલાઇન એક્ઝામ અંગેનો વિકલ્પ પસંદ કરી શકયા નહોવાથી મુદતમાં વધારો વધારીને ૨૫મી મે સુધી લંબાવવામાં આવી હતી.
યુનિવર્સિટી પરીક્ષા વિભાગના અધિકારી કહે છે અત્યાર સુધીમાં ૩૦ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન એક્ઝામ આપવાની સંમતિ આપી દીધી હતી. હજુ વધુ ૨ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ સંમતિ આપે તેવી શક્યતા છે. આ સ્થિતિમાં ૩૨થી ૩૫ હજાર વિદ્યાર્થીઓની ઓનલાઇન એક્ઝામ લેવાની થાય તેમ છે. સેમેસ્ટર ૧, ૬ અને પી.જી. સેમેસ્ટર ૪ ના મળીને કુલ ૯૦ હજારથી વધારે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની થાય છે. આ વિદ્યાર્થીઓમાંથી હાલમાં ૩૦થી ૩૨ હજાર વિદ્યાર્થીઓ જ ઓનલાઇન એક્ઝામનો વિકલ્પ પસંદ કરે તો અંદાજે ૬૦ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓની ઓફલાઇન એક્ઝામ લેવી પડે તેમ છે.
વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઓનલાઇન એક્ઝામનો વિકલ્પ પસંદ કરે તે માટે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની તાકીદ પણ કરી હતી. આમછતાં મોટાભાગના વિદ્યાર્થીઓ ઓફલાઇન એક્ઝામ આપવા ઇચ્છતાં હોવાથી ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો નથી. સેમેસ્ટર ૧માં પણ અડધાથી વધારે વિદ્યાર્થીઓએ ઓફલાઇન એક્ઝામ આપવાનુ નક્કી કર્યુ છે. કોરોના મહામારીના કારણે હાલ ઓફલાઇન એક્ઝામ લઇ શકાય તેમ ન હોવાથી ઓનલાઇન એક્ઝામનું આયોજન કરવાનુ નક્કી કરાયુ હતુ પરંતુ જે પ્રકારે વિદ્યાર્થીઓએ ઓનલાઇન એક્ઝામમાં રસ દાખવ્યો નથી તે જોતાં આગામી દિવસોમાં યુનિવર્સિટી માટે ભારે મુશ્કેલી થાય તેમ છે.