![ગુજરાત વાયબ્રન્ટ સમિટ, પ્રમોશન માટે દેશના મહાનગરોમાં રોડ શો યોજાશે](https://www.revoi.in/wp-content/uploads/2021/10/vibrant-gujarat.jpg)
અમદાવાદઃ રાજ્યમાં વધુને વધુ મુડી રોકાણો આવે તે માટે સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટ યોજીને ઉદ્યોગકારોને ગુજરાતમાં મુડી રોકાણો કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે. આગામી જાન્યુઆરીમાં યોજાનારા વાયબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ રાજ્ય સરકારે શરૂ કરી છે. વાયબ્રન્ટ સમિટના પ્રમોશન માટે અને દેશભરના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મૂડીરોકાણ માટે આકર્ષવા ગુજરાત સરકાર દિલ્હી- મુંબઇ સહિતના મહાનગરોમાં પ્રમોશનલ ઇવેન્ટ અને રોડ શો યોજશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા દિવાળી બાદ નવેમ્બરના અંતમાં દિલ્હી ખાતે તેમજ ડિસેમ્બરની શરૂઆતમાં મુંબઇ ખાતે રોડ શો અને વિવિધ બિઝનેસ એસોસિએશન સાથે બેઠકો યોજવામાં આવશે. આ ઉપરાંત આ સમયગાળામાં બેંગ્લોર, કોલકાતા, હેદ્રાબાદ, પૂના સહિતના શહેરોમાં પણ પ્રમોશનલ ઇવેન્ટ યોજવાનું આયોજન થઇ રહ્યું છે. દર વખતે વિદેશના રોકાણકારોને આકર્ષવા વિવિધ દેશોમાં પ્રમોશનલ ઇવેન્ટ અને રોડ શો કરવામાં આવતા હોય છે અને વિવિધ અધિકારીઓ વિવિધ દેશોનો પ્રવાસ કરતા હોય છે પરંતુ આ વખતે અનેક દેશોમાં કોરોના નિયંત્રણો હોવાથી અધિકારીઓ વિદેશ જશે નહીં. જેથી વિવિધ દેશોની મોટી કંપનીઓ અને ઉદ્યોગ તથા વેપારી એસોસિએશનો સાથે વિડીયો કોન્ફરન્સથી સંપર્ક કરીને વાયબ્રન્ટ સમિટ અંગેની માહિતી અપાશે. વાયબ્રન્ટ સમિટ દરમિયાન રાજ્યના મુખ્ય ક્ષેત્રો ઉપરાંત વિવિધ વિભાગોને તેમના ક્યા ક્ષેત્રમાં રોકાણ માટે એમઓયુ થઇ શકે તેમ છે તેની વિગતો પણ એકત્ર કરાઈ રહી છે. આ વખતે વિવિધ દેશોના મહાનુભાવો અને કંપનીઓની વર્ચ્યુઅલ ઉપસ્થિતિની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવનાર છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગાંધીનગરમાં આગામી તા.10મી જાન્યુઆરી 2022થી વાયબ્રન્ટ સમિટ યોજવાની શક્યતો છે. સરકાર દ્વારા સમિટને સફળ બનાવવા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
(File photo)