
ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થતા મકાન ખાલી કરવા નોટિસ, કેન્ટીનને તાળાં લાગ્યા,
અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં તેમના મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. બીજી તરફ કેન્ટીનનો પણ કોન્ટ્રાક્ટ પૂરો થતો હોવાથી કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે. આ બન્ને મામલે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનો વિરોધ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ તો એવો આક્ષેપ કરી રહ્યા છે. કે, વિદ્યાપીઠમાં હવે ગાંધીવાદી યુગ આથમી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ બન્યા બાદ વિદ્યાપીઠની મલાકાતે આવ્યા હતા અને સાફ સફાઈ મુદ્દે ફરિયાદ કરીને જાતે જ સાફ સફાઈ અભિયાન આદર્યું હતું. આજે વિદ્યાપીઠની કેન્ટીનમાં ગંદકી પણ જોવા મળી હતી. કેન્ટીન બંધ થઈ હોવાથી ત્યાં સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી. કેન્ટીનની બાજુમાં પણ કચરાના ઢગલા જોવા મળ્યા હતા. કેન્ટીન અને તેની આસપાસના 100 મીટરના અંતરમાં ઠેર ઠેર કચરો જ જોવા મળી રહ્યો હતો. ગુજરાત વિદ્યાપીઠમાં આવેલ કેન્ટીન છેલ્લા 20 દિવસથી બંધ હાલતમાં છે. કેન્ટીનને બહારથી તાળું મારીને ટેબલ ખુરશી અંદરના રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે. બહાર જ્યાં વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હતી તથા વિદ્યાર્થીઓ બેસતા હતા તે જગ્યા ખાલી પડી છે.
આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને ક્વાટર્સ ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો છે. 50થી વધુ કર્મચારીઓને નોટિસ આપીને મકાન ખાલી કરાવવા જણાવવામાં આવ્યું છે. 2007થી કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને વિદ્યાપીઠમાં ક્વાટર્સ રહેવા માટે આપ્યા હતા. હવે જ્યારે કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ રહ્યો છે ત્યારે તેમને મકાન ખાલી કરવા જણાવ્યું છે. કર્મચારીઓનો પણ મકાન ખાલી કરવા અંગે વિરોધ કર્યો છે.
ગુજરાત વિદ્યાપીઠના કુલનાયકે જણાવ્યું હતું કે, કેન્ટીનનો કોન્ટ્રાક્ટ પૂરો થતો હોવાથી કેન્ટીન ખાલી કરવામાં આવી છે. નવો કોન્ટ્રાક્ટ આપીને કેન્ટીન ફરીથી ચાલુ કરાશે. કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને મકાન આપવામાં આવ્યા હતા. પરંતુ કોન્ટ્રાક્ટ પૂરો થતો હોવાથી મકાન ખાલી કરાવવામાં આવ્યા છે. નવી જાહેરાત આપીને ભરતી કરવામાં આવશે અને 11 મહિનાના કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. જેમાં જૂના કર્મચારીઓ પણ અરજી કરી શકશે.