
અમદાવાદઃ ટેક્નોલોજી અને દ્રઢ મનોબળનો સમન્વય થાય તો દુનિયાની કોઈ પણ મુશ્કેલીઓને પાર કરી શકાય છે. આવો જ કંઇક ટેકનોલોજીનો સદુપયોગ ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળ્યો. જળ જીવન મિશન અંતર્ગત રાજ્ય સરકારે ડાંગના ‘સાકરપાતળ’ અને ‘માનમોડી’ જેવા અંતરિયાળ વિસ્તારોના લોકો સુધી તેમના મૂળભૂત હક એટલે કે પીવાલાયક શુદ્ધ પાણી પહોંચાડી આદિજાતિ વિસ્તારના વિકાસની દ્રઢ ઈચ્છાશક્તિ દર્શાવી છે.
ગુજરાતના છેવાડે આવેલા આદિવાસી વિસ્તાર ડાંગમાં રાજ્યનો સૌથી વધુ વરસાદ વરસે છે, પરંતુ પુષ્કળ વરસાદ પડવા છતાં પહાડ પર આવેલા કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો સંગ્રહ ન થતા લોકોને ચોમાસા બાદના સાત મહિના સુધી પાણી માટે વલખાં મારવાનો વારો આવતો હતો. જ્યારે હવે સરકારના જળ જીવન મિશન અંતર્ગત અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી આવા ગામોમાં ઘર-ઘર સુધી શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી સમયસર પહોંચાડવામાં આવી રહ્યું છે.
વઘઈ તાલુકામાં આવેલાં ‘સાકરપાતળ’ અને ‘માનમોડી’ ગામના લોકો પહેલા પાણીની સમસ્યા વેઠવા માટે મજબૂર હતાં. ગામ લોકોને પીવાનું પાણી ભરવા માટે દોઢથી બે કિલોમીટર ચાલીને જવું પડતું, જેમાં તેમનો ઘણો સમય વેડફાતો હતો, પરિણામે તેમની ખેત મજૂરી કે નોકરી જેવી રોજીંદી કામગીરીમાં ખલેલ પહોંચતી હતી. લોકોની આ સમસ્યાનું સમાધાન લાવવા માટે કટિબદ્ધ રાજ્ય સરકારે ‘નલ સે જલ’ યોજના અંતર્ગત અદભૂત એન્જિનિયરિંગથી અંબિકા નદીના કિનારેથી એક કિ.મી. દૂર ટેકરા ઉપર વસેલાં આ બંને ગામોના ઘરે-ઘરે પાણી પહોચાડ્યું. પાણી પુરવઠા યોજના હેઠળ ‘સાકરપાતળ’ ગામમાં પાણી પહોંચાડવા કુલ રૂ.17.30 લાખના ખર્ચે 3 આર.સી.સી ટાંકી તેમજ 6 કિ.મી.થી વધુની પાઇપલાઇન નાખવામાં આવી છે.
જ્યારે માનમોડી ગામમાં કુલ રૂ.11.65 લાખના ખર્ચે 2 આર.સી.સી, 1 એચ.ડી.પી.ઈ. ટાંકી તેમજ 4 કિ.મી.થી વધુની પાઇપલાઇન નાખવામાં આવી છે. સરકાર દ્વારા ગામ કૂવાનું પાણી આ વિતરણ વ્યવસ્થા થકી ટાંકીઓમાં અને ત્યાંથી લોકોના ઘર સુધી પહોંચે તેવી ગોઠવણ કરવામાં આવી છે. ઉનાળામાં પાણીનાં સ્તર નીચાં થઈ જાય ત્યારે પણ પાણીની સમસ્યા ન સર્જાય તે માટે વિવિધ જગ્યાએ બનાવેલી વેળીમાંથી કૂવામાં પાણી આપમેળે જ આવી જાય તેવી વિશેષ સુવિધા પણ ઊભી કરવામાં આવી છે.
રાજ્ય સરકારના જનહિતકારી આયોજન થકી ‘સાકરપાતળ’ ગામના 302 ઘરમાં રહેતાં આશરે 1315 લોકોને તેમજ માનમોડી ગામના 115 ઘરમાં રહેતાં 650 લોકોને પીવાના પાણીની સવલત ઊભી થતા, તેમને હવે દોઢથી બે કિ.મી. સુધી પીવાનું પાણી ભરવા જવું પડતું નથી.
સાકરપાતળમાં કૂવો ગામથી ઘણો દૂર હોવાથી નદીની બંને બાજુ આવેલા બે કૂવાઓનું જોડાણ કરવામાં આવ્યું. ગામની નજીક રહેલા કૂવામાં ઓટોમેટિક મોબાઇલ સ્ટાર્ટર દ્વારા મોબાઇલથી જ ઓટોમેટિક મોટર ચાલુ બંધ કરવાની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સાકરપાતળ ગામના સરપંચ મંગેશભાઈ ગોહેલનું કહેવું છે કે, પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળની નલ સે જલ યોજના અંતર્ગત આજે કૂવાનાં કનેક્શન સાથે અમારા ગામની અંદર 100 ટકા નળ કનેક્શન આપવામાં આવ્યા છે જેના થકી ગ્રામજનોને અનુકૂળતા અને જરૂરિયાત મુજબ પૂરતું પાણી મળી રહ્યું છે. આ જ ગામના પાણી સમિતિના સદસ્ય સુરેખાબહેન ચૌહાણે ગામની મહિલાઓની પરિસ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું કે, પહેલાં ગામની મહિલાઓને નદીએથી પાણી લાવવા દોઢ-બે કલાક જેટલો સમય લાગતો હતો, હવે દરેક ઘરે નળ કનેક્શન હોવાથી બધાનાં ઘરે પાણી મળી રહ્યું છે અને બહેનોનો સમય બચી રહ્યો છે.
માનમોડી ગામના સરપંચ મહેન્દ્રભાઈ ગામિતે ગામમાં સુખમય બદલાવ મહેસૂસ થાય છે તેમ કહેતા જણાવ્યું કે, પહેલા મોડી રાતના 2 વાગ્યે પણ ગામથી દૂર નદીએ ચાલીને પાણી ભરવા જવું પડતું હતું, પરંતુ હવે અમારા ઘરે ઘરે પાણી પહોંચી રહ્યું છે. ગતવર્ષે જે ઘર બાકી રહી ગયાં હતાં તેમાં પણ નળજોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ગામના પાણી સમિતિના સદસ્ય દક્ષાબહેન ગામિતે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ડાંગ જિલ્લામાં શુદ્ધ પાણી પહોંચાડવું એ સરકારનું ભગીરથ કાર્ય છે, જે પ્રબળ ઇચ્છાશક્તિને કારણે શક્ય બન્યું છે.
રાજ્ય સરકારે જૂથ પાણી પુરવઠા યોજનાઓ થકી 143 કિ.મી.નું પાઇપલાઇન નેટવર્ક, 48 પંપિંગ સ્ટેશન, 27 હેડવર્ક્સ, 8 સબ-હેડવર્ક્સ, 81 પાણીની ટાંકી, 251 ભૂગર્ભ ટાંકા અને 1467 કિ.મી. વિતરણ પાઇપલાઇન થકી માત્ર આ બે ગામ જ નહી પરંતુ સમગ્ર ડાંગ જિલ્લાને પાણીથી સમૃદ્ધ બનાવ્યો છે.