
વિકસીત ભારત – 2047 સંકલ્પને પૂર્ણ કરવા ગુજરાત સારથીની ભૂમિકા ભજવશેઃ મંત્રી ઋષિકેશ પટેલ
ગાંધીનગરઃ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે અંદાજપત્ર 2024-25 ની વિવિધ જોગવાઇ પર વિધાનસભામાં થયેલ સામાન્ય ચર્ચામાં જણાવ્યું કે,આ વર્ષનું બજેટ મહિલાઓ, યુવાનો, ખેડૂતો સહિત સમાજના દરેક વર્ગને સમાવિષ્ટ કરે છે. સર્વગ્રાહી , સર્વસમાવેશી અને સર્વસ્પર્શી આ બજેટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વર્ષ 2047 સુધીના વિકસીત ભારત સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં પહેલું કદમ છે.
વિકસીત ભારત 2047ના સંકલ્પને પૂર્ણ કરવા ગુજરાત સારથીની ભૂમિકા ભજવશે તેમ મંત્રીએ જણાવ્યું હતુ. આરોગ્ય અને શિક્ષણ સેવાનું માધ્યમ છે તેમ જણાવી રાજ્ય સરકારે કુલ બજેટના અંદાજીત 23 ટકા રકમ આ બંને વિભાગો માટે ફાળવી હોવાનું તેમણે કહ્યુ હતુ. રાજ્યમાં બાળમૃત્યુદર અને માતામૃત્યુદર ઘટાડવા માટે આ વર્ષના અંદાજપત્રમાં હાઇરિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસૂતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા માટે રૂ. 15 હજાર રૂપિયા અને આશા બહેનોને રૂ. 3 હજારની પ્રસુતિદીઠ પ્રોત્સાહન રકમ આપવાની નવી યોજનાની જોગવાઇ કરાઇ છે.
“મારૂ ગામ, કુપોષણ મુક્ત ગામ” જેવી પહેલમાં સરકાર સાથે સામાજીક અને સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, પદાધિકારીઓને એકજૂટ થવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ સાથે ત્રિ-સ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનોની વ્યવસ્થાઓને સુદ્રઢ કરવા માટે રૂ.2308 કરોડની જોગવાઇ રાજ્ય સરકારે કરી છે. અમદાવાદ સિવિલ મેડિસીટીની સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ, આંખની એમ.એન્ડ જે ઇન્સ્ટીટ્યુટ અને ડેન્ટલ હોસ્પિટલને ઓટોનોમસ બનાવવા રૂ. 100 કરોડની ઐતિહાસિક નાણાકીય જોગવાઇ કરાઇ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં કેન્સરની વર્લ્ડ ક્લાસ સારવાર માટે સાયક્લોટ્રોન અને પ્રોટોન જેવી થેરાપી માટે રૂ. 600 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે ટેકનોલોજીના મદદથી સંશોધન અને નવીનીકરણ કરવા માટે રૂ. 35 કરોડના ખર્ચે નવીન સ્પોર્ટ્સ ટેકનોલોજી સેન્ટર બનાવવાની પહેલ રાજ્ય સરકારે હાથ ધરી છે. કૌશલ્ય અને ટેકનોલોજીના સમન્વયથી ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય અને ઓલ્મિપક સ્તરના ખેલાડીઓ તૈયાર થશે તેવો ભાવ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
રાજ્યનો કોઇપણ ગરીબ ભૂખ્યો ન સૂવે તેની દરકાર ગુજરાત સરકારે કરી છે. જે માટે નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે 72 લાખ કુટુંબોને NFSA હેઠળ આવરી અનાજ પૂરું પાડવા માટે રૂ.675 કરોડની જોગવાઇ કરાઇ છે. NFSA રેશનકાર્ડ ધારકોને રાશનની સાથે પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પણ મળી રહે તે માટે તુવેરદાળ અને ચણાના વિતરણ માટે રૂ. 767 કરોડની જોગવાઇ કરાઇ હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
ગુજરાતમાં અંદાજીત 50 % જેટલી વસ્તિ શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. જે વર્ષ 2047 સુધીમાં 70 % જેટલો થવાનો અંદાજ છે.જેને ધ્યાનમાં રાખીને આ વર્ષના બજેટમાં નવસારી, ગાંધીધામ, મોરબી , વાપી, આણંદ,મહેસાણા અને સુરેન્દ્રનગર / વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતરિત કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે નક્કી કર્યું છે જે કદમ સરાહનીય છે. વર્ષ 2023માં ગુજરાતમાં ગુજરાત અને ગુજરાત બહારના 17.65 કરોડ અને 24.09 લાખ જેટલા વિદેશી પ્રવાસીઓએ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હોવાનું મંત્રીએ ઉમેર્યુ હતુ.