
ગુજરાતઃ ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળો વિદાય લેશે
અમદાવાદઃ ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો લોકો અનુભવ કરી રહ્યાં છે. હજુ બે દિવસ સુધી લોકો બપોરના ગરમી અને રાતના ઠંડીનો અનુભવ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશ વાદળછાયુ રહેવાની શકયતા છે. તેમજ ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળુ વિદાય લે તેવી શકયતા વ્યકત થઈ રહી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો થશે અનુભવ થશે. ત્યાર બાદ લઘુતમ તાપમાન 2થી 3 ડિગ્રી નીચું જવાની શક્યતા છે. ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં થોડા દિવસથી કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો હતો. જો કે હવે રાજ્યમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે ઘટશે, તેમજ ગરમીનો પારો ધીમે ધીમે ઉચકાશે. આ મહિનામાં થોડી થોડી ઠંડીના અનુભવ બાદ હવે માર્ચ મહિનાથી ગરમીનો પ્રારંભ થશે. બીજી તરફ સતત બદલાતા વાતાવરણને કારણે લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઇ છે. હવે ફરીથી રાજ્યમાં બેવડી ઋતુ અનુભવવાની આગાહી આપવામાં આવી છે.