રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયો ગુજરાતનો યુવક: ડ્રગ્સના ખોટા કેસની ધમકી આપી રશિયન આર્મીમાં ધકેલાયો
મોરબી: Russia-Ukraine war રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ગુજરાતના એક યુવકનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મૂળ મોરબીના વતની સાહિલ મોહમ્મદ હુસૈને વીડિયો મેસેજ દ્વારા પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે, કેવી રીતે તેને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને જબરદસ્તી રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યો હતો. હાલ સાહિલ યુક્રેનિયન દળોના કબજામાં છે અને તેણે ભારત સરકાર પાસે વતન વાપસી માટે આજીજી કરી છે.
સાહિલે જણાવ્યું કે, તે સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા માટે 2024માં રશિયા ગયો હતો. અભ્યાસની સાથે તે કુરિયર કંપનીમાં પાર્ટ-ટાઈમ કામ કરતો હતો. તેનો આરોપ છે કે, રશિયન પોલીસ દ્વારા તેને ડ્રગ્સના કેસમાં ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વિકલ્પ આપવામાં આવ્યો કે જો તે રશિયન આર્મીમાં જોડાશે, તો તેની સામેનો કેસ ખતમ કરી દેવામાં આવશે.
ડ્રગ્સના ખોટા કેસમાંથી બચવા સાહિલે સેનામાં જોડાવાની દરખાસ્ત સ્વીકારી લીધી હતી. માત્ર 15 દિવસની ટ્રેનિંગ આપીને રશિયન અધિકારીઓએ તેને યુદ્ધના મેદાનમાં (ફ્રન્ટલાઈન પર) મોકલી દીધો હતો. સાહિલે કહ્યું કે, ફ્રન્ટલાઈન પર પહોંચતા જ તેણે યુક્રેનિયન સેના સામે આત્મસમર્પણ કરી દીધું હતું. હવે યુક્રેનિયન અધિકારીઓએ તેના વીડિયો મોરબીમાં તેની માતાને મોકલ્યા છે અને અન્ય ભારતીયોને રશિયન સેનાના આ ષડયંત્ર વિશે જાગૃત કરવા જણાવ્યું છે.
વીડિયોમાં સાહિલે કહ્યું કે, “રશિયન જેલોમાં આશરે 700 જેટલા લોકોને ડ્રગ્સના કેસમાં પૂરી દેવાયા છે અને સેનામાં જોડાવાની શરતે મુક્ત કરવાનો લાલચ અપાય છે. હું પીએમ નરેન્દ્ર મોદી અને ભારત સરકારને વિનંતી કરું છું કે મને સુરક્ષિત પરત લાવવામાં મદદ કરે.” સાહિલની માતાએ પણ પુત્રની સુરક્ષિત વાપસી માટે દિલ્હીની કોર્ટમાં અરજી કરી છે, જેની સુનાવણી ફેબ્રુઆરીમાં થવાની છે.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, રશિયન સશસ્ત્ર દળોમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મુક્તિ સુનિશ્ચિત કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાન મોદીએ પણ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં આ ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારતીય નાગરિકોને વહેલી તકે મુક્ત કરવા પર ભાર મૂક્યો હતો.


