1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસની વિશ્વમાં સરાહના થઈ રહી છેઃ રાઘવજી પટેલ
ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસની વિશ્વમાં સરાહના થઈ રહી છેઃ રાઘવજી પટેલ

ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસની વિશ્વમાં સરાહના થઈ રહી છેઃ રાઘવજી પટેલ

0
Social Share

ગાંધીનગરઃ અમૃતકાળમાં નવીન ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને ખેડૂતોની આવક બમણી કરવા માટે કેવા પ્રકારના પગલા ભરી શકાય તે હેતુથી ગાંધીનગર ખાતે કૃષિમંત્રી  રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને “અમૃતકાળ- ભવિષ્યની ખેતી – શ્રી અન્ન” વિષય અંગે સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારમાં કૃષિમંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે. તેમના આ સંકલ્પને પૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત અને દેશના સર્વાંગી વિકાસમાં કૃષિકારોનો બહુમૂલ્ય ફાળો છે. રાજય સરકારે કૃષિ વ્યવસાયને હંમેશા અગ્રિમતા આપી છે. ગુજરાત રાજય અત્યારે દેશ અને દુનિયા માટે એક મોડેલ તરીકે ઉભરી રહ્યુ છે. રાજયમાં કૃષિ ક્ષેત્રે ખેડુતોના હિતાર્થે કરવામાં આવેલા સકારાત્મક નિર્ણયોની ફળશ્રુતિ રૂપે છેલ્લા બે દાયકા જેટલા સમયમાં રાજયના કૃષિ વિકાસે પ્રગતિની હરણ ફાળભરી છે, જેની સમગ્ર વિશ્વમાં સરાહના થઈ રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ સેમિનાર ફ્યુચર એગ્રીકલ્ચર તેમજ શ્રીઅન્ન આધારિત છે. જે  આગામી સમયમાં ખેડૂતલક્ષી યોજનાઓ બનાવવામાં અને તેનો અમલ કરવામાં ઉપયોગી નિવડશે. આ સેમિનારમાં મુખ્ય સચિવ  રાજકુમારે જણાવ્યું હતું કે, અમૃતકાળમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા પર વધુ ધ્યાન આપવું પડશે. જેના માટે બદલાતા પર્યાવરણમાં ભવિષ્યના પડકારોનો સામનો કેવી રીતે કરી શકાય તે વિશે આજના સેમિનારમાં ચર્ચા કરવામાં આવી છે. જે દિશામાં આગામી સમયમાં સરકાર દ્વારા પ્રયત્નો કરાશે. ખેડૂતોની આવક વધારવા ખેતીને એક બિઝનેસ મોડલ તરીકે વિચારીને તેનું માર્કેટિંગ કરવું પડશે.

અધિક મુખ્ય સચિવ  એ.કે. રાકેશે બદલાતા હવામાનમાં ભવિષ્યમાં કૃષિ ક્ષેત્રે આવનારા પડકારો સામે કેવી રીતે લડત આપી શકાય તે વિશે જણાવ્યું હતું કે, હાલના સમયમાં ક્લાઈમેટ ચેન્જ મોટો પડકાર છે. આવી પરિસ્થિતીમાં કૃષિ ક્ષેત્રે રોજ નવા પડકારોનો સામનો કરવા માટે પ્રાકૃતિક કૃષિ મહત્વનું યોગદાન આપશે. કૃષિમાં નવી ટેક્નોલોજીમાં વર્મી કંપોઝડ, સસ્ટેનેબલ ઈન્પુટ, ટ્રેલીસ સિસ્ટમ, હોર્ટીકલ્ચર, જમીન તથા પાણી ચકાસણી, લેસર ઈરીગેશન જેવી વિવિધ પદ્ધતિઓ અપનાવામાં આવશે.

આ સેમિનારમાં NCCSDના ચેરમેન  કિરીટ શેલતે ભવિષ્યની ખેતી બાબતે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે બદલાતા હવામાન સાથે ખેતીમાં પરિવર્તન લાવવું જરૂરી છે. જેના માટે પ્રાકૃતિક કૃષિ, શ્રી અન્ન, ખેતીમાં સોલર ઊર્જાનો ઉપયોગ, પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને દરેક ટીંપાનો સંગ્રહ જેવી બાબતોમાં વધુ ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. ભારતે જો 2047 માં વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ પરિપૂર્ણ કરવો હશે તો ઊર્જા અને કૃષિ જે અર્થતંત્રના મુખ્ય આધારભૂત પરિબળો છે તેમાં આત્મનિર્ભર બનવું પડશે. આ સેમિનારમાં જૂનાગઢ અને નવસારી કૃષિ યુનિવર્સીટીના ભૂતપૂર્વ કુલપતિ ડો. એ. આર. પાઠક VRTI અને એક્સેલ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન  અશ્વિનભાઈ શ્રોફ, NTPC મેનેજમેન્ટ ઈન્ય્ટીટ્યુટના ડો. ગોપિચંદ્રન હાજર રહ્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code