 
                                    ગુરુગ્રામઃ જાહેરમાં 8 સ્થળો ઉપર નમાઝનો આદેશ પાછો ખેંચાયો, વિરોધને પગલે લેવાયો નિર્ણય
દિલ્હીઃ સાઈબર સીટી ગુરુગ્રામમાં સાર્વજનિક સ્થળો પર નમાઝને લઈને શરૂ થયેલા વિવાદ વચ્ચે ગુરુગ્રામ વહીવટી તંત્રએ આઠ સાર્વજનિક સ્થળો પર નામઝની અનુમતી આપતો આદેશ પાછો ખેંચ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી જાહેર સ્થળ પર નમાઝ કરવાને લઈને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવતો હતો, તેમજ અનેક સ્થાનિકોએ પણ આપત્તિ નોંધાવી હતી. જેથી તંત્રએ આદેશ પાછળ ખેંચ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુગ્રામમાં બંગાલી બસ્તી સેક્ટર-29, વી-બ્લોક ડીએલએફ-3, સુરતનગર ફેઝ-1, ખેડી માજરા ગામની બહાર, દોલતાબાદ ગામ નજીક દ્વારકા એક્સપ્રેસ-વે પર, રામગઢ ગામ પાસે સેક્ટર-68, ડેલએફ સ્કાયર ટાવક નજીક અને રામપુર ગામથી નખડોલા રોડ વચ્ચે એમ કુલ આઠ સ્થળ પર જાહેરમાં નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આપવામાં આવી હતી. હવે અહીં જાહેરમાં નમાઝ પઢવામાં આવશે નહીં. ગુરુગ્રામ ડે.કમિશનરએ આ જગ્યાની સાથે અન્ય જગ્યાઓની માહિતી એકત્ર કરવા માટે કમિટીની રચના કરી છે. જ્યાં જાહેરમાં નમાઝ થતી હોય. આ કમિટીમાં એસડીએમ અને એસીપી ઉપર હિન્દુ-મુસ્લિમ ધર્મના પ્રતિનિધિઓ પણ સામેલ કરવામાં આવ્યાં છે.
આ કમીટી તમામ પક્ષો સાથે વાત કરીને નક્કી કરશે કે ક્યાં-ક્યાં નમાઝ કરી શકાય છે. તેમજ એ પણ ખ્યાલ રાખવામાં આવશે કે આગામી દિવસોમાં જાહેરમાં તથા રોડ ઉપર નમાજ ના થાય. એટલું જ નહીં જે સ્થળ પર નમાઝ માટે મંજૂરી અપાય ત્યાંના સ્થાનિકોનો વિરોધ ના હોય.
ગુરુગ્રામ પોલીસના પ્રવક્તા સુભાષ બોકેનએ જણાવ્યું હતું કે, માત્ર મસ્જિદો, ઇદગાહ અને સિલેક્ટેડ જગ્યાઓ ઉપર જ નમાઝ કરી શકાશે. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભાઈચારો બનેલો રહે તેવો જ અમારો ઈરાદો છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

