
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદઃ 17 મે સુધીમાં સર્વે પૂર્ણ કરવા કોર્ટનો આદેશ
લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ અને શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસીની સિવિલ કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. આ કેસમાં મુસ્લિમ પક્ષ દ્વારા કોર્ટ કમિશનરને હટાવવાની માંગણી કરવામાં આવી હતી. આ અરજીમાં સતત ત્રણ દિવસ સુધી દરેક હકીકત ધ્યાનથી સાંભળ્યા બાદ કોર્ટ કમિશનર નહીં હટાવવાનો નિર્દેશ કર્યો હતો.
સ્થાનિક કોર્ટે અજય મિશ્રાની સાથે વિશાલ સિંહને આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. કોર્ટે કહ્યું કે, કોઈપણ કોર્ટ કમિશનરને હટાવવામાં આવશે નહીં. ચુકાદા બાદ એક વકીલે જણાવ્યું હતું કે, કોર્ટે સર્વેનું કામ 17 મે સુધીમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે નોંધ્યું હતું કે, કોર્ટે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી સર્વે કરવાનો આદેશ આપ્યો છે. 17 મે સુધીમાં રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રની મદદથી સર્વે પૂર્ણ કરવામાં આવે. સર્વેની કાર્યવાહી દરમિયાન બેમાંથી એક કોર્ટ કમિશનર ગેરહાજર રહેશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. અદાલતે સર્વેના કામમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરનારાઓ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. આ સિવાય એવું પણ નોંધ્યું હતું કે, જો ગેટની ચાવી ન મળે તો પણ તાળું તોડી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટની ટીમ તાજેતરમાં જ મસ્જિદમાં સર્વે કરવા ગઈ હતી. જો કે, કેટલાક શખ્સોએ સર્વેની કામગીરીનો વિરોધ કર્યો હતો. દરમિયાન મુસ્લિમ પક્ષ દ્વારા કોર્ટમાં અરજી કરીને કોર્ટ કમિશનર સામે પક્ષપાતનો આક્ષેપ કરીને તેમને બદલવાની માંગણી કરી હતી.