ભાવનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ-રસ્તા પરના દબાણો અવાર-નવાર હટાવવામાં આવતા હોય છે. અને દબાણ હટાવની કામગીરીમાં પણ તંત્રની ઈચ્છાશક્તિ બળવાન હોય છે. મ્યુનિ. કોર્પોરેશનની માલિકીની જગ્યામાં અને રોડ પૈકીની જગ્યા પર રાખેલી કેબીનો, લારી ગલ્લાને નોટિસ આપ્યાના અથવા તો નોટિસ વગર પણ ગણતરીના દિવસોમાં જ હટાવી દેવામાં આવતા હોય છે. જ્યારે શહેરના ઘોઘા રોડ પર મ્યુનિ.કોર્પોરેશનની માલિકીની વિશાળ જગ્યામાં 6 પ્લોટમાં 140 ગેરકાયદેસર બાંધકામો વર્ષોથી થયા છતાં સત્તાધિશોને નોટિસો આપવાનો સમય પણ મળતો નથી. મ્યુનિ.ના પ્લોટ્સમાં મોટા બંગલા અને ધાર્મિક સ્થાન પણ બની ગયા છે તેમજ 30 મીટરનો રોડ પણ દબાઈ ગયો છે. ફરિયાદો ઊઠ્યા બાદ હવે મ્યુનિ.એ તમામને નોટિસ ફટકારી છે.
ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનની અને સરકારની માલિકીની જગ્યા પર થયેલા ગેરકાયદેસર બાંધકામો હટાવવામાં તંત્રને સમય મળતો નથી. મ્યુનિ.કોર્પોરેશનની માલિકીની અનેક જગ્યામાં થયેલા ગેરકાયદેસર બાંધકામો હટાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. શહેરના ઘોઘારોડ 14 નાળા પાસે રાજારામના અવેડા નજીક મ્યુનિ. કોર્પોરેશનના પ્લોટ નંબર 1631, 1632, 1633, 1647, 1648 સહિત છ પ્લોટમાં ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામોને કારણે મફતનગર બની ગયું છે. ઘણા તો વર્ષો પહેલા ઝુપડા બાંધી રહેતા હતા હવે ત્યાં ધીરે ધીરે પાકા બાંધકામો થઈ ગયા છે. ઉપરાંત આરસીસી સ્ટ્રક્ચર અને બીમ બનાવી ધાર્મિક સ્થાન પણ બની ગયા છે. એટલું જ નહીં પરંતુ દુકાનો અને બંગલા જેવા મકાનો પણ બની જવા છતાં તંત્રએ નજર અંદાજ કર્યો છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા દ્વારા પણ મ્યુનિ. કોર્પોરેશનની અને સરકારી માલિકીની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ ધાર્મિક બાંધકામ કે અન્ય કોઈપણ પ્રકારના બાંધકામ દૂર કરવા આદેશ આદેશ કર્યા છે. તેમ છતાં ગેરકાયદેસર બાંધકામોની કાંકરી પણ હલી નથી. જેની પાછળ તંત્રની બેદરકારી સામે રાજકારણ પણ કારણભૂત છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોએ મ્યુનિ.ની માલિકીના 6 પ્લોટમાં મદરેસા, મસ્જિદ, મંદિર સહિતના ધાર્મિક સ્થાનો, પાંચ દુકાનો અને રહેણાંકો મળી કુલ 140 બાંધકામોને 260/1ની નોટિસ ફટકારી છે. અને 30 ફૂટના જાહેર રસ્તા પર થયેલા બાંધકામોને પણ નોટિસ અપાઈ છે. જોકે, ઘણી ગેરકાયદેસર મિલકતોને અગાઉ નોટિસો આપી હતી પરંતુ કાર્યવાહી થઈ નથી. આ ગેરકાયદેસર વસાહતમાં સુવિધા માટે મ્યુનિ. કોર્પોરેશનના ખર્ચે પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા પેવિંગ બ્લોક પણ નાખી દેવામાં આવ્યા છે.