ભાવનગરમાં રેલવે ફાટક પર ટ્રેન આવતી હતી ત્યારે જ ટ્રાફિક જામ થતા અકસ્માત સર્જાતા રહી ગયો
ભાવનગરઃ શહેરમાં કૂભારવાડા રેલવે ફાટક ટ્રાફિક માટે માથાના દુઃખાવારૂપ બની ગયું છે. આ ફાટક પર ટ્રાફિક ખૂબ જોવા મળી રહ્યો છે. જ્યારે ટ્રેન આવતી હોય તે પહેલા ફાટક બંધ કરવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. કારણ કે એક મિનિટ રોકાવવા પણ વાહનચાલકો તૈયાર નથી હોતા. એટલે વાહનોનો અવિરત પ્રવાહ ચાલું રહેતો હોવાથી ફાટક બંધ કરવું પણ મુશ્કેલ બની જાય છે. ત્યારે ગઈકાલે રેલવે ફાટક બંધ ન કરી શકાતા અને એક બાજુ ટ્રેન આવી રહી હતી. દરમિયાન રેલવેના કર્મચારીઓએ સમયસુચકતા દાખવતા મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો.
ભાવનગરના કુંભારવાડા ફાટક પર હજારો વાહનોની અવરજવર થાય છે. ગઈકાલે સાંજે 6:45 કલાકની ટ્રેન આવવાની હતી ત્યારે અસંખ્ય વાહનોને કારણે ફાટકમાં જ ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રેન પસાર થવાની બે થી ત્રણ મિનિટ પહેલા ફાટકમાં ટ્રેક પર વાહનો ફસાયા હતા. જેને કારણે રેલવેનો સ્ટાફ પણ સ્થળ પર દોડી ગયો હતો. જો સમયસર ફાટક બંધ થયું ન હોત તો અનેક વાહનો સાથે મોટી જાનહાનિ થવાની શક્યતાને નકારી શકાય નહીં.
સૂત્રોના કહેવા મુજબ ભાવનગરના કુંભારવાડા રેલવે ફાટક પર સતત વાહનોની અવર-જવરને કારણે ટ્રાફિક સમસ્યા સામાન્ય બની ગઈ છે. ઘણીવાર તો રેલવે ફાટક બંધ થતા એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે. ત્યારે ગઈ સાંજે અકસ્માત સર્જાતા રહી ગયો હતો. સાંજે 6:45 કલાકે કુંભારવાડા રેલવે ફાટક પરથી ટ્રેન પસાર થવાની હતી. નિયત સમય પૂર્વે ફાટક બંધ કરી દેવામાં આવે છે. પરંતુ આજે ફાટક બંધ કરવાની પરિસ્થિતિ જ વિપરીત બની ગઈ હતી. ફાટક બંધ કરવાના સમયે જ રેલવે પાટા અને ફાટક વચ્ચે અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાહનો સામ સામે આવી ગયા હતા. એક તરફનું ફાટક બંધ કરે તો બીજું ફાટક બંધ કરી શકાય તેવી પરિસ્થિતિ નહોતી. રેલવેના કર્મચારીઓને પણ પરસેવો વળી ગયો હતો. પરિસ્થિતિ વિકટ બનતા રેલવેનો સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો અને વાહનોને પાટા પરથી દૂર કર્યા હતા. તેમજ તાત્કાલિક રેલવે ફાટક બંધ કર્યા હતા. રેલવે ફાટક બંધ કરતાં માત્ર બે થી ત્રણ મિનિટમાં ટ્રેન પસાર થઈ હતી.