સોનાના દાગીના પર 1લી એપ્રિલથી હોલમાર્ક ફરજિયાત, 111 કેન્દ્રો પર હોલ માર્કિંગ કરાવી શકાશે
અમદાવાદઃ દેશભરમાં આગામી તા.1લી એપ્રિલથી દરેક જ્વેલર્સ માટે દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત થઈ રહ્યું છે. જો કે, અમદાવાદ શહેરના ઘણાબધા જ્વેલર્સના કહેવા મુજબ આટલા ટૂંકા સમયમાં દાગીના પર હોલમાર્કિંગ કરાવવું શક્ય નથી. હોલમાર્કિંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર હાલ હોલમાર્કિંગ સેન્ટરો પાસે કામ નથી. જ્વેલર્સના જેટલા દાગીના હશે તેનું મુદત પહેલાં માર્કિંગ કરી આપીશું. આમ જ્વેલર્સ અને એસોસિએશને આ મુદ્દે જુદા સૂર કાઢ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશભરમાં 1લી એપ્રિલથી સોનાના દાગીનાનું હોલમાર્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે.અગાઉ હોલમાર્કિંગ માટેની મુદત 2 વખત વધારવામાં આવી હતી. ગુજરાતના નાના શહેરોમાં હોલમાર્કિંગ માટેના પૂરતા સેન્ટર નથી. આને કારણે સંખ્યાબંધ જ્વેલર્સ દાગીના પર હોલમાર્ક કરાવી શક્યા નથી. ગુજરાત હોલમાર્કિંગ એસોસિએશનના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદમાં 29 હોલમાર્ક સેન્ટર છે અને બીજા 5 ટૂંક સમયમાં શરૂ થશે. હાલ તો દરેક સેન્ટર પર એક શિફ્ટનું પણ કામ નથી. આમ છતાં સોનીઓ દાગીના આપશે તો હોલમાર્ક કરી અપાશે. રાજ્યમાં કુલ 111 સેન્ટર હોલમાર્ક સેન્ટર છે અને બીજા 30 ટૂંક સમયમાં શરૂ થવાના છે. ગ્રાહકો સાથે સોનાની શુદ્ધતા અંગે થતી છેતરપિંડી અટકાવવા હોલમાર્કનો નિયમ લવાયો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સોનાના દાગીના પર હોલમાર્ક લગાવવાના નિર્ણયનો અગાઉ જવેલર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એટલે બે વાર મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે મુદત વધારવામાં આવશે નહીં અને તમામ દાગીના હોલમાર્ક વિના વેચી શકાશે નહી. ગ્રાહકો સાથે થતી છેતપિંડીને રોકવા માટે હોલમાર્ક ફરજિયાતનો નિર્ણય બનાવવામાં આવ્યો છે.