ભારતના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે BCCIને વિનંતી કરી છે કે તે ટીમમાં ‘સુપરસ્ટાર ક્લચર’નો અંત લાવે અને ખેલાડીઓની પસંદગી માત્ર પ્રદર્શનના આધારે કરે. ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં એક દાયકામાં પ્રથમ વખત ભારતીય ટીમની હાર બાદ હરભજને આ ટિપ્પણી કરી હતી. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ટીમમાં સુપરસ્ટાર કલ્ચરનું નિર્માણ થયું છે. અમારે સુપરસ્ટાર નથી જોઈતા, સારુ પ્રદર્શન કરતા ખેલાડીઓ જોઈએ છે. ટીમમાં સારા પર્ફોર્મર્સ હશે તો જ ટીમ આગળ વધશે. જેને સુપરસ્ટાર બનવું હોય તેણે ઘરે જ રહેવું જોઈએ અને ત્યાં ક્રિકેટ રમવું જોઈએ.
તેમણે કહ્યું કે, ઈંગ્લેન્ડનો પ્રવાસ હજુ આવવાનો છે. હવે તેમાં શું થશે, કોણ ટીમમાં હશે અને કોણ નહીં તેની વાત દરેક વ્યક્તિ કરવા જઈ રહી છે. હું માનું છું કે આ એક સીધો મુદ્દો છે. સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓ જ ટીમમાં રહેવા જોઈએ. તમે પ્રતિષ્ઠાના આધારે ટીમ પસંદ કરી શકતા નથી. હરભજને કહ્યું, જો તમારે આવું કરવું હોય તો કપિલ દેવ સર અને અનિલ ભાઈને પણ લઈ લો. અહીં BCCI અને પસંદગીકારોએ કડક થવું પડશે. સુપરસ્ટાર વલણ સાથે ટીમ આગળ વધી શકતી નથી. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ખરાબ ફોર્મમાં હતા. આ હાર સાથે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની તક પણ ગુમાવી દીધી હતી. કોહલીએ નવ ઇનિંગ્સમાં 190 રન બનાવ્યા હતા અને તે ઘણીવાર સ્લિપમાં કેચ થયો હતો.
હરભજને કહ્યું કે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ક્રિકેટરોએ કોઈપણ ફોર્મેટમાં રમીને ઈંગ્લેન્ડના ટેસ્ટ પ્રવાસ માટે પોતાની યોગ્યતા સાબિત કરવી જોઈએ. તેમણે કહ્યું, ટીમની પસંદગી પ્રદર્શનના આધારે થવી જોઈએ. પછી તે વિરાટ કોહલી હોય, રોહિત હોય કે અન્ય કોઈ. કોઈ પણ ખેલાડી ટીમથી મોટો નથી હોતો, ભલે તેને લાગે કે તે એક મોટો સુપરસ્ટાર છે. જો આપણે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માંગતા હોય તો મુશ્કેલ પ્રશ્નો પૂછવા પડશે. તેમણે કહ્યું, હું એમ નથી કહેતો કે તેમને પડતો મુકવો જોઈએ પરંતુ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ખેલાડીઓને ત્યારે જ પસંદ કરવા જોઈએ જો તેઓ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા થોડું ક્રિકેટ રમ્યા હોય.
હરભજને કહ્યું, વિરાટ કોહલીએ 2024માં 11 ટેસ્ટમાં 440 રન બનાવ્યા હતા. તે ખૂબ મોટું નામ છે તેથી આ આંકડા વિચિત્ર લાગે છે. મને પણ નવાઈ લાગી. જો તમે કોઈ યુવા ખેલાડીને તક આપો તો તે પણ આટલા રન બનાવી લેશે. તેમણે એમ પણ કહ્યું કે જો જસપ્રીત બુમરાહ ન હોત તો ભારત ખરીબ રીતે હારી હોત.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

