
26 જાન્યુઆરીથી શરૂ થશે ‘હાથ સે હાથ જોડો અભિયાન’,રાહુલ ગાંધીનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડશે કોંગ્રેસ
દિલ્હી:કોંગ્રેસ 26 જાન્યુઆરીથી હાથ સે હાથ જોડો અભિયાન શરૂ કરશે.પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસ સંચાલન કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે 26 જાન્યુઆરીથી અમે ‘હાથ સે હાથ જોડો અભિયાન’ શરૂ કરીશું, બે મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં દરેક ગ્રામ પંચાયત અને બૂથ સુધી પહોંચીશું અને રાહુલ ગાંધીના સંદેશવાળો પત્ર લોકોને સોપવામાં આવશે.
વેણુગોપાલે કહ્યું કે ‘ભારત જોડો યાત્રા’ના સમાપન પછી ‘હાથ સે હાથ જોડો અભિયાન’ શરૂ થશે. ગયા મહિને પાર્ટીના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ, પાર્ટીની સર્વોચ્ચ સંસ્થા, કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ના સ્થાને મલ્લિકાર્જુન ખડગે દ્વારા સંચાલન કમિટીની રચના કરવામાં આવી હતી.
ખડગે ઉપરાંત, પાર્ટીના સંસદીય દળના વડા સોનિયા ગાંધી, વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને અન્ય ઘણા નેતાઓ બેઠકમાં સામેલ થયા હતા.પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’માં સામેલ થવાને કારણે બેઠકમાં હાજર રહી શક્યા ન હતા.