આરોગ્ય મંત્રીએ એઈમ્સ રાજકોટ અંગે આપ્યું મોટું અપડેટ,કહ્યું- 65 ટકા કામ પૂર્ણ, આ મહિના સુધીમાં તૈયાર થઈ જશે
- આરોગ્ય મંત્રીએ એઈમ્સ રાજકોટ અંગે આપ્યું મોટું અપડેટ
- કહ્યું- અત્યાર સુધીમાં 65 ટકા કામ પૂર્ણ થઈ ગયું
- આ મહિના સુધીમાં તૈયાર થઈ જશે એઈમ્સ
રાજકોટ : કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે જણાવ્યું હતું કે ગુજરાતના રાજકોટ શહેરની નજીક ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય તેવી શક્યતા છે કારણ કે અત્યાર સુધીમાં 65 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. માંડવીયાએ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવા દિવસ દરમિયાન અહીં એઈમ્સની મુલાકાત લીધી હતી.
તેમણે કહ્યું કે AIIMS નો આઉટ પેશન્ટ વિભાગ (OPD) પહેલેથી જ કાર્યરત છે, જ્યારે ઓગસ્ટમાં 150 બેડની ઇન્ડોર હોસ્પિટલ અને સપ્ટેમ્બરમાં 250 બેડની સુવિધા શરૂ કરવામાં આવશે. મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સ્થપાઈ રહેલી 16 એઈમ્સ પૈકી એક એઈમ્સ રાજકોટમાં છે. માંડવિયાએ જણાવ્યું હતું કે, “એઈમ્સ-રાજકોટનું ઓછામાં ઓછું 65 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને ઓપીડી શરૂ થઈ ગઈ છે.
તબીબી સાધનોની ખરીદીની પ્રક્રિયા ઝડપી ગતિએ ચાલી રહી છે અને તમામ કામો આ વર્ષના ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. તેમણે કહ્યું કે જ્યારે તેઓ છેલ્લે માર્ચમાં AIIMSની મુલાકાતે ગયા હતા ત્યારે ત્યાં માત્ર 800 કામદારો હતા અને હવે આ સંખ્યા વધીને 2,000 થઈ ગઈ છે. AIIMS રાજકોટ મલ્ટી સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી વિભાગો સાથે 750 બેડની હોસ્પિટલ હશે. આ સંસ્થાનું નિર્માણ રૂ. 1,195 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે.